ટ્રેન બ્લાસ્ટના આરોપીએ એનઆઈઅને 6 કલાક ઘર બહાર રાહ જોવડાવી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ટ્રેન બ્લાસ્ટના આરોપીએ  એનઆઈઅને 6 કલાક ઘર બહાર રાહ જોવડાવી 1 - image


સર્ચ વોરન્ટ માગ્યું, વાયરલ વીડિયોમાં પોલીસ પર તોડફોડનો આક્ષેપ

પીએમ મોદીના કાર્યક્રમમાં ભાંગફોડના કાવતરાં અંગે પીએફઆઈ સાથે સંપર્ક ધરાવનારા શકમંદો પર મુંબઈ,  ભિવંડી સહિત દેશભરમાં દરોડા

મુંબઈ :  પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સંબંધિત કેસમાં વિક્રોલીમાં આજે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના દરોડા દરમિયાન ૭/૧૧ મુંબઈ ટ્રેન બ્લાસ્ટના આરોપીએ ઘરનો દરવાજો ન ખોલતાં નાટકીય પરિસ્થિતિ સર્જાઈ હતી. એનઆઈએની ટીમ અને પોલીસ છ કલાક સુધી ઘરની બહાર જ ખડેપગે ઉભી રહી હતી. જેના લીધે તંગદિલી સર્જાઈ હતી. નોંધનીય છે કે એનઆઈએ દ્વારા મુંબઈમાં વિક્રોલી, નવીમુંબઈ, ભિવંડી, થાણે સહિત દેશભરમાં પીએફઆઈ સંબંધિત લગભગ ૨૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયાં વર્ષની  બિહાર મુલાકાત દરમિયાન ભાંગફોડ કરવાનું કાવતરું પકડાયું હતું. તે બાબતે નોંધાયેલા એક કેસના સંદર્ભમાં એનઆઈએ દ્વારા દેશભરના છ રાજ્યોમાં અલગ અલગ સ્થળે પીએફઆઈના અલગ  અલગ સ્થળોએ દરોડા પાડયા હતા. તેના ભાગરુપે વિક્રોલીમાં પણ આ દરોડો પાડવામાં આવ્યો હતો. 

'મુંબઈ પોલીસની સાથે એનઆઈએની એક ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ વિક્રોલીના પાર્કસાઈટ ખાતે ચાલમાં રહેતા અબ્દુલ વાહિદ શેખની ઘરે પહોંચી હતી. તે અગાઉ ૭/૧૧ના ટ્રેન બ્લાસ્ટ કેસમાં આરોપી હતો. તેણે ઘરનો દરવાજો છ કલાક સુધી ન ખોલતા અધિકારીઓ બહાર રાહ જોઈને ઉભા રહ્યા હતા.

ઘરની અંદરથી શેખે એનઆઈએ પાસે સર્ચ વોરંટની માંગણી કરી હતી. છેવટે શેખનો વકીલ અને કેટલાક સ્થાનિક સામાજિક કાર્યકરો આવ્યો પછી સવારે ૧૧.૧૫ વાગ્યે તેણે દરવાજો ખોલ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ત્યારબાદ એનઆઈએની ટીમે ઘરમાં ઘૂસી પીએફઆઈ સંબંધિત કેસમાં તેની પૂછપરછ કરી હતી.

શેખના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલા શેખે વોટ્સએપ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે 'પોલીસ અને અમૂક લોકો સવારે પાંચ વાગ્યાથી તેના ઘરની બહાર એકઠા થયા છે. તેઓ મારા ઘરમાં ઘૂસવા માગે છે, એક દરવાજો તોડી નાખ્યો છે અને મારા ઘરના સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડયું હતું. તેઓ મને કેસ અથવા કોઈપણ એફઆઈઆર સંબંધિત દસ્તાવેજો બતાવી રહ્યા નથી.

'હું અને મારા પરિવારના સભ્યો છેલ્લા ત્રણ કલાકથી ઘરની અંદર બંધ છે. મારી પત્ની અને પુત્રીની તબીયત ખરાબ છે. આ અંગે પોલીસ અને મુંબઈ પોલીસ કમિશરને ફરિયાદ કરી છે, એમ તેણે વીડિયો દ્વારા વધુમાં જણાવ્યું હતું.

૭/૧૧ ટ્રેન બ્લાસ્ટ કેસમાં શેખનું નામ આરોપી તરીકે હતું. પરંતુ બાદમાં કોર્ટ તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

૧૧ જુલાઈ, ૨૦૦૬ના મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં જુદી જુદી જગ્યાએ ૧૫ મિનિટમાં સાત વિસ્ફોટ થયા હતા. એમાં ૧૮૦ થી વધુ લોકોના મોત અને ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા હતા.



Google NewsGoogle News