ઈઝરાયેલ પહોંચેલા મુંબઈના 38 યાત્રીઓનું ટૂર આયોજન ખોરંભે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ પહોંચેલા મુંબઈના 38 યાત્રીઓનું ટૂર આયોજન ખોરંભે 1 - image


ભારતીય દુતાવાસે હોટલમાં આશ્રયની વ્યવસ્થા કરી

ઈઝરાયેલ જિસસ ક્રાઈસ્ટનું જન્મ, કર્મ તેમજ અંતિમ સ્થળ હોવાથી ક્રિશ્ચિયનો માટે મહત્વનું : જોકે, આ વખતે અનેક યાત્રાઓ ખોરવાશે

મુંબઈ :  ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સપ્તાહના અંતમાં લોહિયાળ સંઘર્ષ થયો હોવાથી, બેથલહેમ યાત્રાએ ગયેલા મુંબઈના ૩૮ નાગરિકો ત્યાં અટવાઈ ગયા હતા. ભારતીય દૂતાલયના માર્ગદર્શન હેઠળ તેમણે તેમની હોટલમાં જ આશ્રય લીધો અને યુદ્ધને કારણે ચિંતિત હતા, પણ આખરે સલામત રહીને યાત્રા આગળ વધારી શક્યા. જો કે તેમણે ઈઝરાયેલમાં આવેલા મહત્વના સ્થળો છોડી દેવા પડયા.

બીજા દિવસે, જ્યારે તણાવ થોડો ઓછો થયો, ત્યારે ઓપરેટરે તેમની તીર્થયાત્રાના આગલા તબક્કા માટે કૈરો સુધી પરિવહનની વ્યવસ્થા કરી. જો કે યાત્રા માટે મહત્વના ગણાતા ક્રિશ્ચિયન સ્થળો બાકાત રાખવા પડતા યાત્રાળુઓ નિરાશ થયા હતા. ઈઝરાયેલ જિસસ ક્રાઈસ્ટનું જન્મ સ્થળ, તેમના ઉપદેશોનું સ્થળ, તેમના ક્રુસિફિકેશન, દફન સ્થળ અને ફરી સજીવન થવાનું સ્થળ હોવાથી ક્રિશ્ચિયનો માટે ઈઝરાયેલનું ધાર્મિક મહત્વ ઘણુ છે. હાલ ત્યાં અટવાયેલા યાત્રાળુઓએ મહત્વના સ્થળ છોડવાની નિરાશા ખંખેરીને પોતે સલામત રહી શક્યા તેની ખુશી વ્યક્ત કરી હતી.

મધ્યપૂર્વના સંઘર્ષને કારણે અસર પામેલી આ એકમાત્ર ટૂર નહોતી. હાલના દિવસોમાં મુંબઈથી નીકળવા નિર્ધારીત અન્ય ટૂરોએ પણ હવે તેમના કાર્યક્રમમાં બદલાવ કરવો પડશે. મુંબઈના અગ્રણી ટૂર ઓપરેટરોએ જણાવ્યું કે તેમણે તેમની ઈઝરાયેલની આગામી ટૂરો રદ અથવા વિલંબીત કરવી પડશે. ક્રિશ્ચિયનોની યાત્રામાં જોર્ડન અને ઈજિપ્તના સ્થળો પણ સામેલ હોય છે પણ ઈઝરાયેલનો હિસ્સો મહત્વનો છે. ઉપરાંત આ સીઝનમાં મધ્યપૂર્વના દેશોમાં ઠંડક હોવાથી મોટાભાગના યાત્રાળુઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરનો  સમય જ પસંદ કરતા હોય છે. યાત્રામાં મોટાભાગના વરિષ્ઠ નાગરિકો સામેલ હોય છે.

યાત્રા વિલંબમાં પડશે તો પણ વરિષ્ઠ નાગરિકોને નિરાશા થશે કારણ કે તેઓ આ અમૂલ્ય તકની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેઓ પવિત્ર યાત્રા ટૂંક સમયમાં શરૃ થવા માટે બંને દેશો વચ્ચે  ઝડપથી સમાધાન થાય તેની રાહ જોઈ રહ્યા છે.



Google NewsGoogle News