અબુ સાલેમે કસ્ટડીનો સમય સજામાં સરભર કરવાની અરજી વિશેષ કોર્ટે માન્ય કરી
૧૯૯૩ના બોમ્બધડાકા કેસના આરોપીએ પક્ષપાત થયાનો દાવો
તળોજા જેલ ઓથોરિટીને નિર્દેશ આપવામાં આવ્યો
મુંબઈ: ૧૯૯૩ના બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમે સુનાવણી દરમ્યાન કાચા કેદી તરીકે ભોગવેલી જેલના સમયને સરભર કરવા કરેલી અરજીને વિશેષ ટાડા કોર્ટ માન્ય કરી છે.
હાલ તળોજા જેલમાં રખાયેલા અરજદાર સાલેમે આરોપ કર્યો છે કે વિશેષ કોર્ટના આદેશ છતાં જેલ ઓથોરિટીએ પોતાને બોમ્બ ધડાકાના કેસ દરમ્યાન કસ્ટડીનો સમય સરભર કર્યો નથી. ૨૦૦૬ના ટાડા કેસમાં કાચાકામના કેદીઓ માટે આ રીતની સુવિધા આપી છે.
એક કેસમાં કાચાકેદી તરીકેનો સમય ગણતરીમાં લેવાય છે અને બીજા કેસમાં નથી લેવાતો એ અન્યાયકારી છે. તળોજા સેન્ટ્રલ જેલને ૧૧ નવેમ્બર ૨૦૦૫થી સાત સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો કસ્ટડીનો સમય સજામાં સરભર કરવાનો નિર્દેશ આપવાની વિનંતી કરી હતી.
ટાડા કોર્ટના વિશેષ જજ બીડી શેળકેએ અરજી માન્ય કરીને જેલ સુપરિન્ટેન્ડન્ટને નિર્દેશ આપ્યો હતો કે કાચાકેદી તરીકે વિતાવેલો જેલવાસનો સમય સરભર કરવામાં આવે. બ્લાસ્ટ પૂર્વે સાલેમને ૨૦૧૫માં બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાના કેસમા ંજન્મટીપ અપાઈ હતી. આ કેસમાં તેને કાચા કેદી તરીકેનો જેલવાસ સજા સામે સરભર કરાયો હતો. પરંતુ બ્લાસ્ટના કેસમાં કરાયો નથી.
જો અરજદારને કસૂરવાર ઠેરવીને સજા કરવામાં આવે તો પોર્ટુગલના કરાર અનુસાર ૨૫ વર્ષથી વધુ સમય જેલની સજા કરવામાં આવી શકે નહીં.
૧૯૯૩માં ૧૨ વિસ્ફોટો થયા હતા જેમાં ૨૫૭ લોકોના જીવ ગયા હતા અને ૭૧૩ ઈજા પામ્યા હતા અને રૂ. ૨૭ કરોડની મિલકતને નુકસાન થયું હતું.