સિદ્દિકીના મોતની ખાતરી કરવા શૂટર લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો
ફાયરિંગ બાદ બેધકડ આસપાસમાં જ ફરતો રહ્યો
ફાયરિંગ બાદ ભીડમાં ઘૂસી 20 મિનીટ માહોલ જોયો પછી શર્ટ બદલી હોસ્પિટલ ગયો, ત્યાંથી કુર્લા થઈ લોકલમાં થાણે ગયો હતો
મુંબઈ : બાબા સિદ્દિકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવકુમારે એવો ઘટસ્ફોટ કર્યો છે કે સિદ્દિકી પર ગોળી ચલાવ્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થયા બાદ સિદ્દિકી ખરેખર મૃત્યુ પામ્યા છે કે કેમ તેની ખાતરી કરવા લીલાવતી હોસ્પિટલ ગયો હતો. ત્યાં તે અડધો કલાક રોકાયો હતો. સિદ્દિકી ખરેખર મૃત્યુ પામી ચૂક્યા છે તેવું જાણ્યા બાદ જ તે ત્યાંથી રવાના થઈ મુંબઈ છોડી ફરાર થઈ ગયો હતો.
બાંદ્રામાં પુત્ર ઝીશાનની ઓફીસ નજીક ૧૨ ઓક્ટોબરે દશેરાના રાત્રે બાબા સિદ્દીકીને ગોળી મારી દેવામાં આવી હતી. દશેરાના દિવસે ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી. તે જ સમયે બાબા સિદ્દીકી પર અંધાધૂંધ ગોળીબાર કરાયો તેમની છાતીમાં બે ગોળી વાગી હતી.બાદમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાબા સિદ્દીકીને ગોળી મારનાર મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમે પોલીસ તપાસમાં જણાવ્યું કે ગોળીબાર કર્યા પછી તરત જ તેણે પહેલા શર્ટ બદલ્યો હતો. પછી ઘટનાસ્થળે ભીડમાં ઘૂસી ગયો હતો. ત્યાંની પરિસ્થિતિનું ૨૦ મિનિટ સુધી નિરીક્ષણ કર્યું હતું.બાદમાં તે રિક્ષામાં લીલાવતી હોસ્પિટલ ગયો હતો.તે લીલાવતીની બહાર અડધો કલાક ઉભો રહ્યો હતો. સિદ્દિકી બચવાના નથી તેવી ખાતરી થયા બાદ જ તે ત્યાંથી રવાના થયો હતો.
ગોેળીબાર બાદ ગૌતમ લીલાવતી હોસ્પિટલથી કુર્લા ગયો હતો. ત્યાંથી તે લોકલ ટ્રેનમાં થાણે ગયો અને પછી પુણે પહોંચ્યો હતો.તેણે પોતાનો મોબાઈલ ફોન પુણેમાં ફેંકી દીધો.તે સાત દિવસ પુણેમાં હતો.બાદમાં તે ટ્રેનમાં ઉત્તરપ્રદેશના ઝાંસી અને ત્યાંથી લખનૌ ગયો હતો.રવિવારે ગૌતમ ઉત્તર પ્રદેશના નાનપારા શહેરથી લગભગ ૧૦ કિમી દૂર ઝૂંપડપટ્ટીમાં લોકોની વચ્ચે છુપાયો હતો.તેના સાગરિતો ઝડપાઈ ગયા હતા.પછી પોલીસે મુખ્ય આરોપી ગૌતમની ધરપકડ કરી હતી.
ઉત્તરપ્રદેશથી ગૌતમ તેના બે સાથી ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહને ઉજ્જૈન રેલવે સ્ટેશન પર મળવાનો હતો.ત્યાંથી બિશ્નોઈ ગેંગનો એક સભ્ય તેમને વૈષ્ણોદેવી લઈ જવાનો હતો.પરંતુ વૈષ્ણોદેવી જવાનો તેમનો પ્લાન નિષ્ફળ ગયો કેમ કે ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહ ફાયરિંગ બાદ તરત જ પકડાઈ ગયા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ અને તેના ચાર સાથીઓની નેપાળ સરહદ નજીકથી ધરપકડ કરી હતી. આરોપીનો દેશ છોડીને નાસી જવાનો પ્લાન હતો
શૂટર ગૌતમના ચાર સાથીઓની શંકાસ્પદ વર્તણૂક માટે તપાસ કરવામાં આવી હતી. ચારેય અલગ-અલગ સાઈઝના કપડા ખરીદતા અને ગૌતમને જંગલમાં મળવાનું કાવતરું ઘડતા જોવા મળ્યા હતા.તેમણે લખનૌથી મોબાઈલ ફોન ખરીદ્યો હતો.આ મોબાઇલથી ઈન્ટરનેટ કોલ દ્વારા ગૌતમના સંપર્કમાં હતા. તેમણે મુખ્ય આરોપી ગૌતમને દેશ છોડીને ભાગી જવામાં મદદ કરવાનો પ્લાન બનાવ્યો હતો.