કાલબાદેવીના કુરિયરના સાડા ત્રણ કરોડના દાગીના લૂંટનારા ઝડપાયા
- આંતરરાજ્ય ગેંગમાં પૂર્વ સૈનિકોનો સમાવેશ
મુંબઇ : મુંબઈના કાલબાદેવીની કુરિયર કંપનીની વેનમાંથી નાશિકમાં રૂ. ૩.૬૭ કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવાના મામલામાં આંતરરાજ્ય ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. નાશિક ગ્રામિણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ શકમંદોને પકડીને વધુ તપાસ આદરી છે. આરોપીઓમાં બે પૂર્વ સૈનિકોનો પણ સમાવેશ છે.
- નાશિક હાઈવે પર વેન આંતરી સ્ટાફની આંખમાં મરચાનો ભૂકો નાખી લૂંટ થઈ હતી
કુરિયર કંપનીની ગતિવિધિ પર નજર રાખીને આ લૂંટ કરવામાં આવી હતી. મુંબઈના કાલબાદેવીમાં આરોપી કુરિયર કંપની દ્વારા સોના અને ચાંદીના પાર્સલ મોકલવામાં આવે છે. કંપનીના માલિકે નાશિક, ધુળે, જળગાંવના વેપારીઓને સોના-ચાંદીના દાગીના, બિસ્કિટ મોકલવા વેનમાં પાર્સલ રાખ્યું હતું.
નાશિકમાં મુઢેગાંવ નજીક ૧૮ જાન્યુઆરીના વહેલી સવારે કારમાં આવેલા લૂંટારાઓએ તેમની વેન અટકાવી હતી. પછી વેનમાં ત્રણ જણની આંખમાં મરચાનો પાવડર નાખી લોખંડના સળિયાથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ લૂંટારાઓ કારમાં દાગીના ભરેલા પાર્સલ લઈને પલાયન થઈ ગયા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે લૂંટારાઓની ઓળખ કરી હતી. આ ગુનામાં ઉત્તર પ્રદેશના આગ્રાની ગેંગ સંડોવાયેલી હોવાની ખબર પડી હતી. છેવટે પોલીસે રેકી કરીને પાંચ આરોપીને ઝડપી લીધા હતા.
આરોપીઓમાં આગ્રાના દેવેન્દ્રસિંહ ઉર્ફે કરવા પરમાર (ઉં. વ. ૩૩), આકાશ પરમાર (ઉં. વ. ૨૨), શિવસિંહ ઠાકુર (ઉં. વ. ૪૫), જહિર ખાન (ઉં. વ. ૫૨), રાજસ્થાનના હુબસિંહ ઠાકુર (ઉં. વ. ૪૨)નો સમાવેશ થાય છે. આરોપી હુબસિંહ અને જહિર માજી સૈનિક છે.
દાગીના જમીનમાં દાટી દીધા હતા
આરોપીઓએ લૂંટ બાદ દાગીના જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ અઢી કિલો સોના અને ૪૫ કિલો ચાંદીના દાગીના, લૂંટ માટે ઉપયોગમાં લીધેલી કાર સહિત રૂ. પોણા બે કરોડની માલમતા જપ્ત કરવામાં આવી છે.
કોર્ટે આરોપીઓને નવ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. આ લૂંટના મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર સિંહ સામે ગુજરાતમાં પણ સોના-ચાંદીની લૂંટનો કેસ દાખલ છે. પોલીસે કુશિર માજી સૈનિક સતેન્દ્રસિંહ યાદવ, દાસચંદ ગુર્જર નંદુ ગારેને પકડવા વધુ તપાસ આદરી છે.