સિદ્ધિ વિનાયક મંદિર પાસેનો માર્ગ પહોળો કરાશે
પૂજા સામગ્રી વેચતા વેપારીઓને દૂર ખસેડાશે
દર્શનાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાશે, દાદરથી દર 5 મિનિટે બસ ઉપાડાશે
મુંબઈ : પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર પરિસરમાં ભાવિકોને વધારાની સુરક્ષાઓ આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા વિશેષ પ્રોજેક્ટ ચલાવશે. તેમાં મંદિર તરફ જતાં તમામ માર્ગ પહોળા કરી ત્યાં પૂજાસામગ્રી વેંચતાં વિક્રેતાઓને ગાડગીળ રોડ પર સ્થળાંતરિત કરાશે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં મુંબઈ સહિત દેશભરના હજારો ભક્તો દર્શન માટે આવતાં હોય છે. આ ભાવિકોને સરળતાભેર દર્શન મળી રહે તે માટે મુંબઈ મનપાએ વિશેષ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટમાં ભાવિકોને અવરજવર માટે સ્વતંત્ર રસ્તો, રસ્તો પહોળો કરવો, મંદિરના બંને માર્ગ પર પ્રવેશદ્વાર, અત્યાધુનિક સ્વચ્છતાગૃહ વગેરેનો સમાવેશ છે.
દિવ્યાંગ, સગર્ભા, વરિષ્ઠ નાગરિકોમાટે દર્શનની લાઈનમાં બેસવાની વ્યવસ્થા કરાશે તેમજ ઉનાળા-ચોમાસામાં ભાવિકો હેરાન ન થાય તે માટે દર્શનની લાઈન લાગે છે તે વિસ્તારમાં છત બનાવવાનો પણ વિચાર છે. ભાવિકો માટે પાર્કિંગ સ્થળ સહિત સુક્ષા સંબંધિત વ્યવસ્થા પણ કરાશે. મંદિર પાસેના નવા મેટ્રો સ્ટેશનથી મંદિરમાં આવનારા ભાવિકો માટે પણ વિશેષ સુવિધાઓ તૈયાર કરાશે. દાદર રેલવે સ્ટેશન (પશ્ચિમ) થી સિદ્ધિવિનાયક મંદિર દરમ્યાન દર પાંચ મિનીટે બેસ્ટની મિની બસ ચલાવવાની યોજના પણ છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ વતી ટ્રસ્ટના અધ્યક્ષ, સ્થાનિક વિધાનસભ્ય તથા પાલિકા ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ વિશેષ પ્રોજેક્ટનું કામ હાથ ધરાશે.