એમએચટી-સીઈટીના પરિણામ 19 જૂન સુધીમાં જાહેર કરાશે
54 ખોટા સવાલોના ફૂલ માર્ક્સ મળશે
વિદ્યાર્થીઓના આન્સર કીના આક્ષેપો બાદ તેમના જ હિત માટે તારીખો લંબાવી : સીઈટી સેલ
મુંબઈ : એમએચટી સીઈટીનું પરિણામ ૧૯ જૂન કે તે પહેલાં જાહેર કરવામાં આવશે, એવું સીઈટી સેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોકે સીઈટી સેલ દ્વારા એક બાદ એક અપાઈ રહેલી તારીખો બાબતે વિદ્યાર્થી-વાલીઓએ નારાજગી દર્શાવતાં સીઈટી સેલે જણાવ્યું છે કે, વિદ્યાર્થી હિત માટે જ તારીખ પાછળ ધકેલાઈ રહી છે.
એમએચટી સીઈટી પરીક્ષાના પ્રશ્નો અને આન્સર કી બાબતે વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ મુદ્દત બાદ પણ આક્ષેપો નોંધાવાઈ રહ્યાં હતાં. આથી વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ એમએચટી સીઈટીના પરિણામની તારીખ પાછળ ધકેલવામાં આવી હોવાની માહિતી સ્ટેટ કોમન એન્ટ્રન્સ સેલના કમિશ્નરે આપી છે.
સીઈટી પરીક્ષા ૨૨ એપ્રિલથી ૧૬ મે દરમ્યાન લેવાઈ હતી. ત્યારબાદ સીઈટી સેલ દ્વારા પરિણામ બાબતે વિવિધ તારીખો જાહેર કરવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે એન્જિનીયરીંગ, મેડિકલ, ફાર્મસી તેમજ એગ્રીકલ્ચર એડમિશનમાટે પીસીબી ગુ્રપની પરીક્ષા ૨૨થી ૩૦ એપ્રિલ તો પીસીએમ ગુ્રપની પરીક્ષા ૩ થી ૧૬ મે દરમ્યાન લેવાઈ હતી. આ બંને પરીક્ષાની આન્સર કી પરના આક્ષેપો નોંધાવવા ૨૬ મે સુધીની મુદ્દત હતી. પરંતુ ત્યારબાદ પણ આક્ષેપો નોંધાયા હતાં. આક્ષેપના તથ્યો જાણવા એક બેઠક કરાયા બાદ ૫૪ આક્ષેપો યોગ્ય હોવાથી ૫૪ પ્રશ્નો ખોટાં હોવાનું જણાયું. જેના ફૂલ માર્ક્સ વિદ્યાર્થીઓને મળશે. આથી પહેલાં પરિણામની તારીખ ૧૦ જૂન જાહેર કરાઈ હતી. પરંતુ વહેલી તકે એડમિશનને પણ ધ્યાનમાં લઈ ૧૯ જૂન પહેલાં રીઝલ્ટ જાહેર કરી દેવાશે.