પરીક્ષા પહેલાં જ વૉટ્સએપ પર પ્રશ્નપત્ર પહોંચી ગયું
દક્ષિણ મુંબઈની કૉલેજનો ગજબ કિસ્સો
કોપીમાં પકડાયેલ વિદ્યાર્થી તથા તેને પ્રશ્નપત્ર પહોંચાડનાર મિત્ર સામે પોલીસમાં ગુનો દાખલ
મુંબઈ : ટીવાયબીકોમની સેમેસ્ટર-૫ની પરીક્ષામાં એક વિદ્યાર્થીના મોબાઈલમાં પ્રશ્નપત્ર અને તેના જવાબો જોવા મળ્યાં હતાં. દક્ષિણ મુંબઈની આ ઘટના બાબતે આસિસ્ટંટ પ્રોફેસરે કરેલી ફરિયાદને આધારે આ વિદ્યાર્થી અને તેને પ્રશ્નપત્ર વૉટ્સએપ પર પહોંચાડનાર મિત્ર સામે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
દક્ષિણ મુંબઈની જાણીતી કૉલેજમાં ટીવાયબીકોમની સેમેસ્ટર-પની પરીક્ષા ચાલી રહી છે. ૩૧ ઑક્ટોબરે કોમર્સ-૫નું પેપર હતું. તે સમયે જૂનિયર સુપરવાઈઝરને એક વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ હોવાની જાણ થતાં તેણે મોબાઈલ તપાસતાં તેમાંથી તે વિષયની પ્રશ્નપત્રિકા અને જવાબો મળ્યા હતાં. ફરક એટલો જ કે કૉલેજના પ્રશ્નપત્ર અને આ વિદ્યાર્થીના મોબાઈલમાં આવેલ પ્રશ્નપત્રમાં માત્ર વૉટરમાર્ક જુદો હતો.
આ બાબતે વિદ્યાર્થીની પૂછપરછ કરતાં તેણે ઉડાઉ જવાબો આપ્યા હતા. ગિરગાંવની જાણીતી કૉલેજના આ વિદ્યાર્થી અને તેને પ્રશ્નપત્ર પહોંચાડનાર વ્યક્તિ કે જે તેનો મિત્ર હોવાનું જણાય છે, તે બંને સામે પોલીસે હાલ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.