કાબુલના એકમાત્ર હિંદુ મંદિરના પુજારીએ કટ્ટર હિંદુત્વ દાખવ્યું
તાલિબાનીઓના હાહાકાર વચ્ચે
લોકો પોતાના જીવ બચાવવા દેશ છોડી રહ્યાં છે, ત્યારે પુજારીનો મંદિર છોડવાનો સ્પષ્ટ ઈનકાર
મુંબઈ : ૧૫મી ઑગસ્ટે એક બાજુ ભારતમાં આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના કબ્જાને કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. તાલિબાનીઓએ કાબુલ પહોંચતાં જ રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના વરિષ્ઠ સ્ટાફ મેમ્બર્સ સાથે પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ એક હિંદુ પુજારીએ પોતાનો ધર્મ જાળવી રાખવા કટ્ટર હિંદુતા ઉજાગર રાખી છે.
કાબુલ સ્થિત રતનનાથ મંદિરના પુજારી પંડિત રાજેશ કુમારે કાબુલ છોડી જવાની સ્પષ્ટ ના કહી છે. તેમણે આ વાત એવા સમયમાં ઉચ્ચારી છે, જ્યારે અફઘાનિસ્તાનના કેટલાંય લોકો પોતાનો જીવ બચાવવા મરણતોલ પ્રયાસો કરીને દેશ છોડી જવા માગે છે. પરંતુ એક હિંદુ પોતાની આસ્થાનું સ્થાન, પોતાના પ્રિય પરમેશ્વરને છોડીને ક્યાંય નહીં જાય તેવી હઠ્ઠ લઈ ત્યાંજ રહેવા તૈયાર થયા છે.
પંડિત રાજેશ કુમારના જણાવ્યાનુસાર, કેટલાંક હિન્દુઓએ મને કાબૂલ છોડી જવા કહ્યું. હિન્દુઓએ મારા પ્રવાસ અને રહેવાનો પ્રબંધ કરી આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ મારા પૂર્વજો સેંકડો વર્ષોથી આ મંદિરની સેવા કરતાં આવ્યાં છે અને હવે હું આ મંદિરને આ રીતે છોડીને જઈ શકું તેમ નથી. જો તાલિબાન મને મારી નાંખશે તો તેને હું મારી સેવા ગણીશ.
ખાસ ઉલ્લેખનીય કે રતનનાથ મંદિર એ કાબુલનું આખરી બચેલું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવે છે. અહીં સામાન્ય દિવસોમાં હિંદુ અનુયાયીઓની મોટી ભીડ હોય છે. પરંતુ હવે અહીં કોઈ ફરકતું નથી.