મુંબઈમાં રીટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ બમણાં થયાં
આકરો તાપ અને પાણીની અછતની અસર
લોકો વેકેશન મનાવી પાછા શહેરમાં ફરતાં શાકભાજીની માગણી વધી પણ આવક ઓછી
મુંબઇ : સતત વધતાં તાપને કારણે અનેક ઠેકાણે પાણીનું સ્તર નીચું ગયું છે તો કેટલેક ઠેકાણે પાણીનો સાવ અભાવ નિર્માણ થયો છે. જેની અસર ખેતીમાલને થતાં પાણી પૂરવઠા પર પણ થતાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થવા માંડયું છે. પરિણામે શાકભાજીના ભાવ બમણાં થઈ ગયાં છે અને જૂન-જુલાઈ સુધી ભાવવધારો આમ જ રહે તેવી સંભાવના છે.
મુંબઈમાં શાકભાજીની માગણી ફરી વધવા લાગી છે કારણ હવે લોકો પોતાના વતન કે પિકનીક પરથી વેકેશન પૂરું થતાં પાછાં આવવા લાગ્યાં છે. તે દરમ્યાન જ શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. ગયા અઠવાડિયા સુધી શાકભાજીના ભાવમાં ૬૦ થી ૭૦ ટકા વધારો હતો. પરંતુ હવે બમણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે માર્કેટમાં ૬૦ થી ૭૦ ટકા જ શાકભાજી આવી રહી છે. રીટેલ માર્કેટમાં પ્રત્યેક શાકભાજી ૮૦ થી ૧૦૦ રુપિયા કિલોએ પહોંચી ગયાં છે.
રીટેલ માર્કેટમાં ૨૦ રુપિયે મળતી કોથમીરના હવે ૪૦ રુપિયા થઈ ગયાં છે તો ટામેટાંના ભાવ ૪૦ રુપિયાથી વધી ૬૦-૭૦ રુપિયા સુધી પહોંચ્યાં છે. લીલાં મરચાં પણ કિલો દીઠ ૧૨૦ રુપિયાએ પહોંચ્યાં છે. ભીંડો, ટીંડોળા અને કારેલાં ૪૦ થી ૫૦ રુપિયા કિલોએ પહોંચી ગયાં છે. જેની અસર ગૃહિણીઓને પણ થઈ રહી છે.