તુવેરદાળના ભાવમાં તરખાટ, સવા બસ્સો રુપિયાની કિલો
દે દમોદર દાળમાં પાણી....ની મજબૂરી
આફ્રિકી દેશોમાંથી આયાત બંધ થતા કિંમત વધીઃ ચોમાસાં સુધી ભાવ વધતા રહે તેવી આશંકા
મુંબઇ : ગુજરાતીઓના દાળ- ભાત, મહારાષ્ટ્રીઓના વરણ- ભાત કે પછી દક્ષિણ ભારતીઓના ઇડલી કે ડોસા સાથે પીરસાતા સાંભારમાં વપરાતી તુવેરદાળની કિંમતમાં ભારે વધારો થવાથી મધ્યમ વર્ગના લોકોના કિચન બજેટ પર બોજો વધી ગયો છે.
નવી મુંબઇની એ.પી.એમ.સી. (અગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ બજારમાં તુવેરદાળની કિંમતમાં દસથી બાર ટકા વધી ગયા છે. પરિણામે હોલસેલમાં અત્યારે ૧૫૦થી ૨૦૦ રૃપિયે કિલોના ભાવે દાળ વેંચાય છે. જ્યારે રિટેલમાં બસોથી સવાબસો રૃપિયાની કિંમતે વેચાણ થાય છે. ભાવ હજી વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતમાં આફ્રિકી દેશોમાંથી તુવેરદાળની આયાત કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લાં લગભગ બે મહિનાથી આયાત બંધ હોવાથી દાળની ખેંચ ઉભી થઇ છે. આફ્રિકી દેશ મોઝામ્બિક સાથે તો તુવેરદાળ આયાત કરવા માટે ભારતે કરાર કર્યા હતા. પરંતુ ઇમ્પોર્ટ બંધ થવાથી માલની ખેંચ ઉભી થઇ છે અને ભાવ વધવા માંડયા છે.
એપીએમસીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી થોડા વખત સુધી દાળ સસ્તી થાય એવી કોઇ શક્યતા નથી. ચોમાસુ સમયસર બેસશે અને દાળની આવક વધશે પછી કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે.