કાંદાની આવક ઓચિંતી વધતા ભાવ વધુ ગગડયા

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
કાંદાની આવક ઓચિંતી વધતા ભાવ વધુ ગગડયા 1 - image


નવી મુંબઇમાં ડુંગળીના 'ડુંગર'

કિંમતમાં ઘટાડાને કારણે આમજનતાને મોટી રાહત : બુધવારે દોઢ હજાર ટન કાંદાની આવક

મુંબઇ : નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં કાંદાની આવકમાં ઓચિંતો વધારો થવા માંડતા ભાવ વધુ ગગડયા છે. ટ્રકો ભરી ભરીને કાંદા ઠલવાતા હોવાથી જાણે નાના નાના ડુંગળીના ડુંગરા ઉભા થવા માંડયા છે. ભાવમાં ઘટાડાને કારણે આમઆદમીને મોટી રાહત થઇ છે.

એપીએમસીની કાંદા- બટેટા બજારમાં છેલ્લાં થોડા દિવસથી ક્વોલીટી પ્રમાણે કાંદાનો ભાવ ૨૫થી ૪૫ રૃપિયે કિલો રહ્યો હતો. ગઇકાલે આ ભાવ ગગડીને ૨૩થી ૩૬ રૃપિયા થઇ ગયા હતા. 

બુધવારે માર્કેટમાં ૧૫૬૪ ટન કાંદાની આવક થઇ હતી. આ પહેલાં ૧૧મી ડિસેમ્બરે ૧૧૫૦ ટન અને મંગળવારે ૯૪૫ ટન કાંદાની આવક થઇ હતી. પરંતુ બુધવારે રેકોર્ડ બ્રેક દોઢ હજાર ટન કાંદા ઠલવાતા ભાવ નીચે બેસવા માંડયા હતા. આને કારણે કાંદા ઉત્પાદક ખેડૂતોમાં નારાજી વ્યાપી છે.

સરકારે કાંદાની નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો સામે મહારાષ્ટ્રમાં ખેડૂતો અને કાંદાના વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. પ્રતિબંધ ઉઠાવવા માટે રાજકીય નેતાઓએ પણ સરકારને અપીલ કરી છે. જો કે હજી સુધી આ બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો. નવી મુંબઇની કાંદા- બટેટા માર્કેટના સંચાલક અશોક વાળુંજે જણાવ્યું હતું કે માર્કેટમાં કાંદાના નવા માલની આવક શરૃ થઇ ગઇ છે. બુધવારે આવક એકદમ વધવાને લીધે ભાવમાં ઘટાડો થયો હતો.


Google NewsGoogle News