લસણના ભાવમાં ભડકો : કિલોના 400 થતાં લોકોએ ખરીદી ટાળી
લસણ સામાન્ય માણસની પહોંચની બહારં
હજુ પખવાડિયાં પહેલાં 200 રુપિયે કિલો હતું નવા માલની આવક શરૃ થયા પછી ભાવ ઘટશે
મુંબઇ : ગયા વર્ષે લસણના ભાવ ઉંચા રહ્યા બાદ આ વર્ષની શરૃઆતથી જ લોકો મોંઘાભાવે લસણ ખરીદવા મજબૂર છે. જોકે છેલ્લાં ચાર-પાંચ દિવસ દરમ્યાન લસણના ભાવ વધીને ૪૦૦ રૃપિયે કિલો પર પહોંચતા આમઆદમીનું કિચન બજેટ હચમચી ગયું છે. જે પૈસા ખર્ચી નથી શકતા તેમણે ના છૂટકે લસણ વગરની બેસ્વાદ વાનગી ખાઇને સંતોષ માનવો પડે છે.
પંદરેક દિવસ પહેલાં એક કિલો લસણનો ભાવ ૨૦૦ રૃપિયાની આસપાસ હતો. પણ એક પખવાડિયામાં જ ભાવમાં ૧૦૦ ટકા વધારો થઇને ૪૦૦ ઉપર પહોંચતા ગ્રાહકોને લસણના દામથી ડામ લાગવા માંડયા છે
હોલસેલ માર્કેટમાં લસણ ૩૦૦ રૃપિયાની આસપાસ વેંચાય છે અને છૂટકમાં ૪૦૦નો ભાવ બોલાય છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે લસણનું ઉત્પાદન ઓછું હોવાથી બજારોમાં માલની આવક ઘટી છે. બીજું વેપારીઓએ જે સંગ્રહ કરેલો એ બધો માલ લગભગ ખૂટવા આવ્યો છે. આ પરિસ્થિતિમાં થોડા દિવસો પછી નવા માલની આવક શરૃ થયા પછી ભાવ ઘટવા માંડશે.
ગયા વર્ષે ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ કરવામાં આવી હતી. એને કારણે પણ ભાવ ઉચા રહ્યા હતા.