Get The App

લસણના ભાવમાં ભડકો, કિલોના 400 રુપિયા થઈ ગયા

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
લસણના ભાવમાં ભડકો, કિલોના 400 રુપિયા થઈ ગયા 1 - image


શ્રાવણમાં ઉપાડ ઘટયો છતાં ભાવ  વધ્યા

ઓછાં ઉત્પાદનના કારણે આદુના ભાવ પણ કિલોએ 100 રુપિયા પર પહોંચ્યા

મુંબઇ :  શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ઉતરવા માંડયા છે ત્યારે બીજી તરફ લસણ અને આદુના ભાવમાં ભડકો થયો છે. નવી મુંબનની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની હોલસેલ બજારમાં થોડા દિવસ પહેલાં લસણ દોઢસોથી બસો રૃપિયે કિલો  વેચાતું તેનો ભાવ વધીને ૪૦૦ રૃપિયા પર પહોંચ્યો છે. આવી જ રીતે આદું ૧૦૦ રૃપિયે કિલો વેંચાય છે. રિટેલમાં લસણ અને આદુ હોલસેલ માર્કેટ કરતાં દોઢાથી બમણા ભાવે વેંચાય છે.

લસણની આવક ઘટી છે અને માંગ વધી છે તેને કારણે ભાવ ઉંચે જવા માંડયા છે. બે વર્ષ પહેલાં લસણનો આવક ખૂબ વધી જવાથી ભાવ તળિયે બેસી ગયા હતા. એટલે મોટા ભાગના ખેડૂતોએ લસણનો પાક લેવાનું જ માંડી વાળ્યું હતું. પરિણામે લસણની કિંમત વધવા માંડી છે. આખું વર્ષ લસણના ભાવમાં તેજી જ રહેશે અને લોકોને ભાવમાં રાહત મળવાની કોઇ શક્યતા નથી એવું માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.

આદુનું પણ ઉત્પાદન ઓછું થવાથી ભાવ વધવા માંડયા છે. અત્યારે નવી મુંબઇ એ.પી.એમ.સી. માર્કેટમાં સાતારા અને કર્ણાટકથી આદુની આવક થઇ રહી છે. ગયા વર્ષે હોલસેલમાં આદુનો ભાવ ૨૫ થી ૪૦ રૃપિયે કિલો હતો, જ્યારે અત્યારે હોલસેલમાં ૧૦૦ રૃપિયે કિલો વેંચાય છે.

બીજી તરફ કાંદાનો ભાવ પણ વધવા માંડયો છે. નવી મુંબઇની કાંદાબટેટા માર્કેટમાં ૩૫ થી ૪૦ રૃપિયે કિલો કાંદા વેંચાય છે, જ્યારે શહેર અને પરાંની રિટેલ માર્કેટમાં કાંદા ૫૦ તી ૬૦ રૃપિયે કિલો વેંચાવા લાગ્યા છે. એપીએમસીમાં રોજ ૧૦૦ ટ્રક ભરીને કાંદા આવે છે આવતા અઠવાડિયે શ્રાવણ માસ પૂરો થતા કાંદાનો વપરાશ વધવાની સાથે ભાવ પણ વધશે એવું અનુમાન છે.



Google NewsGoogle News