નીઓનેટલ આઈસીયુમાં 24ની ક્ષમતા સામે 65 બાળદર્દી હતા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
નીઓનેટલ આઈસીયુમાં 24ની ક્ષમતા સામે 65 બાળદર્દી હતા 1 - image


નાંદેડમાં અનેકગણા દર્દીઓથી વ્યવસ્થા ભાંગી પડી 

સ્ટાફને ત્રણ શિફ્ટમાં હાજર રખાશેઃ દવાઓ સહિત જરુરી સ્ટોક રાખવા પણ સૂચના 

મુંબઈ :  મહારાષ્ટ્રના નાંદેડની યશવંતરાવ ચવ્વાણ સરકારી હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ૧૬ નવજાત બાળકો સહિત ૩૧ દર્દીનાં મોતના કિસ્સાએ રાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવ્યો છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર  હોસ્પિટલની ક્ષમતા કરતાં અનેક ગણા દર્દીઓ હતા. દર્દીઓના ધસારાના કારણે હોસ્પિટલનું તંત્ર ભાંગી પડયું હતું. 

 તબીબોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના નીઓ નટેલ આઈસીયુમાં ૨૪  બાળકોની ક્ષમતા છે. પરંતુ તેની સામે તા. ૩૦મી સપ્ટેમ્બરની રાતે અહીં ૬૫ બાળ દર્દીઓને દાખલ કરાયા હતા. તેમાંથી ૧૧ બાળ દર્દી મૃત્યુ પામ્યા હતા. 

એક તબીબના જણાવ્યા અનુસાર અન્યએક નવજાત શિશુનું મોત પિડિયાટ્રિક્સ ઈન્સેન્ટિવ કેર યુનિટમાં થયું હતું. 

પિડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. કિશોર રાઠોડે  દવાઓની અછતથી દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપો નકાર્યા હતા. 

તેમણે જણાવ્યુ ંહતું કે જે ૧૧ નવજાત શિશુનાં મોત થયાં તેમાંથી આઠ દર્દીઓને  અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી અત્યંત ગંભીર હાલતમાં આ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. તેમાંથી મોટાભાગના શિશુનું વજન એક કિલોથી પણ ઓછું હતું. 

તેમણે જણાવ્યુ ંહતું કે પિડિયાટ્રિક વોર્ડમાં ૩૧ બેડની ક્ષમતા છે પરંતુ અમે તેની સામે ૩૨ બાળકોને દખલ કર્યાં હતાં. 

ડો. રાઠોડે કહ્યું હતું કે તા. ૩૦મીની રાતે હોસ્પિટલમાં કેટલાક ઈમરજન્સી રેફરલ કેસો આવ્યા હતા. છેલ્લી ઘડીએ આ ગંભીર બાળકોને અહીં રિફર કરાયા હતા. પરંતુ, અમે કોઈને પણ દાખલ કરવાની ના પાડી ન હતી. 

બંને વોર્ડમાં કુલ મળીને ૧૫૬ બાળકોને સારવાર માટે દાખલ કરાયાં હતાં. 

તેમણે કહ્યું હતું કે જનરલ વોર્ડમાં ૯૦ની ક્ષમતા સામે અનેક ગણા દર્દી દાખલ કરાયા  હતા. 

હોસ્પિટલના ડીન ડો. શ્યામ રાવ વાકોડેએ કહ્યું હતું કે ૩૦મીની રાતે મૃત્યુ પામેલા ૧૨ બાળકોમાં છ છોકરા અને છ કન્યાનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના હજુ બે કે ત્રણ દિવસ પહેલાં જન્મ્યાં હતાં. તેમનું વજન પણ બહુ ઓછું હતું. 


Google NewsGoogle News