તળ મુંબઈના મુંબઈગરા આળસી ગયા, પરાંએ થોડીઘણી લાજ સાચવી
ભાંડુપ , મુલુંડ અને બોરીવલીમાં 60 ટકાથી વધુ મતદાન
મુંબઈની 36 બેઠકો પર સરેરાશ 53 ટકા મતદાનઃ સાઉથ મુંબઈના બૂથો પર સુનકારઃરાજકીય તોડફોડથી પણ મતદારો ત્રાસ્યાનું અનુમાન
મુંબઈ - મુંબઈ શહેરમાં રાત સુધીના આંકડા અનુસાર અંદાજે ૫૩ ટકા મતદાન થયું હતું. તળ મુંબઈમાં મતદાન ૫૦ ટકાથી વધુ રહ્યું હતું જ્યારે પરાં વિસ્તારમાં તેનાથી વધારે ૫૫ ટકા મતદાન નોંધાયું હતુું.૨૦૧૯માં ૫૦.૬૭ ટકાની સરખામણીમાં માત્ર ત્રણ ટકા વધ મતદાન ુ થયું હતું. મુંબઈમાં કોલાબાનું બેઠક પર સૌથી ઓછું ૪૪.૪૯ ટકા મતદાન થયું હતું આમ કોલાબાએ સૌથી ઓછાં મતદાનની પરંપરા જાળવી રાખી છે. જ્યારે સૌથી સૌથી વધુ મતદાન બોરીવલીમાં ૬૦. ૫૦ ટકા નોંધાયું હતું. જોકે ભાંડુપ પણ ૬૦.૧૮ ટકા સાથે તથા મુલુંડ પણ ૬૦. ૪૯ ટકા મતદાન સાથે મોખરે રહ્યાં હતાં.
તળ મુંબઈની ૧૦ બેઠકો પર સરેરાશ ૫૧.૨૭ ટકા મતદાન થયું હતું. જ્યારે પરાંની ૨૬ બેઠકો પર સરેરાશ ૫૫.૧૦ ટકા મતદાન થયું હતું.
મુંબઈના કેટલાક મતવિસ્તારના ઘણા બૂથ પર બહુ ઓછા લોકો જોવા મળ્યા હતા. શહેરી મતદારોની ઉદાસીનતા પડકાર યથાવત રહ્યો છે. જોકે ચૂંટણી દ્વારા લોકોને મોટી સંખ્યામાં બહાર આવવા અને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે વારંવાર ઝુંબેશ ચલાવી હતી. એટલું જ નહીં આ વખતે ચૂંટણી અઠવાડિયાના મધ્ય ભાગમાં યોજી હોવા છતાં મતદારોએ મતદાન કરવામાં ઉદાસીનતા બતાવી છે. આ વખતે લોંગ વીક એન્ડમાં મતદારો બહાર ફરવા જતા રહે તેવી શક્યતા પણ ઘટાડી દેવામાં આવી હતી. તેમ છતાં પણ મતદારો મતદાન મથકોએ પહોંચ્યા નથી.
રાજકીય પક્ષો દ્વારા પાછલાં પાંચ વર્ષોમાં થયેલી તોડફોડ અને તડજોડની નીતિના કારણે પણ અનેક મતદારો મતદાન કરવાથી દૂર રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
જોકે મતદાન કરવામાં સિનિયર સિટીઝનોએ ખૂબ જ ઉત્સાહિત ભાગ લીધો હતો.મોટાભાગના મતદારો વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. જોકે, બપોર બાદ મતદાન મથકો સુમસામ ભાસતાં જોવા મળ્યાં હતાં.