VIDEO | ટ્રેનને ધક્કો મારી મુસાફરનો બચાવ્યો જીવ, મુંબઈના લોકોએ માનવતા બતાવી
Image Source: Instagram
મુંબઈ, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર
મુંબઈના લોકોએ એક ટ્રેનને ધક્કો મારીને સાથી મુસાફરનો જીવ બચાવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મુંબઈના વાશી સ્ટેશન પર બુધવારે અફરાતફરી મચી ગઈ હતી. એક મુસાફર લોકલ ટ્રેનની નીચે આવીને પૈડાઓની વચ્ચે ફસાઈ ગયો.
ટ્રેનની નીચે ફસાયેલા એક સાથી મુસાફરને બચાવવા માટે લોકો તાત્કાલિક એકત્ર થઈ ગયા અને પહેલા તો ટ્રેનને આગળ વધવાથી અટકાવી પછી તમામ લોકોએ કોચને ધક્કો મારીને ટ્રેનની નીચે ફસાયેલા મુસાફરને બહાર કાઢ્યા. દિલ જીતનારી આ ઘટના વાયરલ થઈ ગઈ. 41 સેકન્ડની ક્લિપમાં મુસાફરોને ટ્રેનના મોટરમેન કેબિનની આસપાસ એકઠા થતા જોઈ શકાય છે. જ્યારે અન્ય લોકોને ભરેલી ટ્રેન કોચને બીજી તરફ ધકેલતા નીચે ફસાયેલા વ્યક્તિને બચાવતા જોઈ શકાય છે.
વીડિયો પોસ્ટ કરનાર યૂઝરે દાવો કર્યો છે કે તેઓ પોતે આ ઘટનાના સાક્ષી છે. તેમણે ખુલાસો કર્યો કે એક મુસાફર પનવેલ જનારી લોકલ ટ્રેનની નીચે પડીને ફસાઈ ગયો હતો. યૂઝરે કહ્યુ, જ્યારે મે આને રેકોર્ડ કર્યુ તો લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા હતા. બાદમાં તમામે મદદ કરી અને એકસાથે એક જ સમય પર ધક્કો માર્યો અને આ કાર્ય થઈ ગયુ.
વિભિન્ન રિપોર્ટ અનુસાર રેલવે અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યુ છે કે આવુ પાટાને પાર કરવાના કારણે થયુ છે. પીડિત વ્યક્તિ જ્યારે પાટા પાર કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી. ત્યારે પનવેલ તરફ જઈ રહેલી એક ટ્રેન ટ્રેક પર આવી ગઈ. ટ્રેનના ડ્રાઈવરે જોઈને અચાનક ઈમરજન્સી બ્રેક લગાવી દીધી પરંતુ તે વ્યક્તિ ટ્રેનની નીચે આવી ગયો. ત્યારે ત્યાં હાજર મુસાફરોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એકત્ર થઈને ટ્રેનને ધક્કો મારીને એક તરફ કરી દીધી અને પીડિતને બચાવી દીધા. તેમને સામાન્ય ઈજા પહોંચી છે.