પૌરાણિક બાણગંગા ટેન્ક અને રામકુંડનું નવીનીકરણ કરાશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
પૌરાણિક બાણગંગા ટેન્ક અને રામકુંડનું નવીનીકરણ કરાશે 1 - image


પ્રવાસીઓને અને ધાર્મિક ક્રિયા માટે સગવડ   અપાશે 

ભગવાન રામે અહીં પિતાનું શ્રાદ્ધ કર્યું હોવાની માન્યતા, ટેન્કની દિવાલ પર શિલાલેખ ઊભા કરાશે

મુંબઈ :  વાલકેશ્વરમાં આવેલી મુંબઈની બાણગંગા ટેન્કની કાયાપલટ કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે જેથી પ્રવાસીઓને આકર્ષી શકાય તેમજ લોકો ધાર્મિક ક્રિયા કરી શકે. આ નવીનીકરણનો મુખ્ય હેતુ પરિસરમાં જ ટેન્કથી ચારસો મીટરના અંતરે આવેલા ૧૧મી સદીના રામ કુન્ડનું પુનરુત્થાન કરવાનો છે. દંતકથા મુજબ ભગવાન રામે અહીં જ પોતાના પિતા દશરથનું તેમના અવસાનના ૧૩માં દિવસે અસ્થિ વિસર્જન કર્યું હતું.

મહાપાલિકાની યોજના ટેન્કની આસપાસ થયેલા ૧૦૦થી વધુ અતિક્રમણ દૂર કરીને નિવાસીઓનું નજીકમાં પુનર્વસન કરવાની, ધાર્મિક ક્રિયાઓ માટે બેઠકો અને જાહેર માળખાઓ નિર્ધારીત કરવાની, જાહેર સુવિધા ઊભી કરવાની તેમજ સ્થળ સુધી જતા પથ અને ગલીઓમાં હેરિટેજ દેખાવ રચવાની છે. ઉપરાંત સીસીટીવી સર્વેલન્સ પણ ઊભો કરવામાં આવશે. ટેન્ક સુધીના પ્રવેશને પહોળો કરવામાં આવશે અને ટેન્કની સ્વચ્છતા માટે પગલા લેવાશે, પથ્થરના પગથિયાનું સમારકામ કરાશે તેમજ રિટેનીંગ દિવાલો પર વારાણસીના ધોરણે પથ્થરના શિલાલેખો કોતરવામાં આવશે.

આ સમગ્ર યોજનાનો ખર્ચ રૃા. ૧૨ કરોડ અંદાજવામાં આવ્યો છે જેમાંથી પાંચ કરોડ પાલિકા ભોગવશે જ્યારે બાકીનો ખર્ચ અહીંના સાંસદ, રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ભોગવશે.

ગ્રેડ-૧ હેરિટેજ વિસ્તાર ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટેમ્પલ ટ્રસ્ટની ખાનગી માલિકીનો છે અને તેની જાળવણી રાજ્ય આર્કિયોલોજી વિભાગ દ્વારા થાય છે. અહીં કાર્તિક પૂર્ણિમાના દિવસે તેમજ દર વર્ષે પિતૃપક્ષ દરમ્યાન પિંડ દાન માટે દસ હજારથી વધુ ભક્તો આવે છે.   



Google NewsGoogle News