લેડી પાયલોટે રનવેને બદલે ટેક્સી વે પર વિમાન ઉતાર્યું

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
લેડી પાયલોટે રનવેને બદલે ટેક્સી વે પર વિમાન ઉતાર્યું 1 - image


નાગપુર એરપોર્ટ પર દોડધામ મચી

એક તબક્કે ટ્રેઈની વિમાન ભટકી ગયું કે તૂટી પડયાની આશંકાથી શોધખોળ

મુંબઇ :  નાગપુર એરપોર્ટ પર ગઇકાલે બપોરે ફલાઇંગ એકેડેમીના એક નાના વિમાને મુખ્ય રનવેને બદલે પાસેના ટેક્સી-વે (પ્લેનને ટર્મિનલ, હેંગર અને પાર્કિંગ તરફ લઇ જતો રસ્તો) ઉતરાણ કરતા  વિમાનમથક પર દોડધામ મચી ગઇ હતી. સદ્ભાગ્યે કોઇ દુર્ઘટના થઇ નહોતી.

ઇન્દિરા ગાંધી ફલાઇંગ એકેડેમીની એક લેડી પાયલટે મંગળવારે ૧૨ વાગ્યે ગોંદિયાના બીચ્ચી એરપોર્ટ ઉપરથી ટ્રેઇની પ્લેન ઉડાડયું હતું. નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટની દિશામાં વિમાન આગળ વધ્યા પછી એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આથી પ્લેન ભટકી ગયું છે અથવા તૂટી પડયું છે એવી આશંકા સાથે શોધખોળ શરૃ કરવામાં આવી હતી.

આ દરમ્યાન લેડી પાયલટે આ વિમાન મુખ્ય રનવે નજીકના ટેક્સી-વે ઉપર ઉતાર્યું હતું. દિશા ભૂલેલા આ વિમાનનું ટેક્સી-વે ઉપર સહીસલામત ઉતરાણ કરતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ નાગપુર એરપોર્ટના અધિકારીઓ  અને બીજા પ્લેનમાં પહોંચી ગયેલા ફલાઇંગ એકેડેમીના અધિકારીઓએ મહિલા પાયલટની પૂછપચ્છ કરી હતી. ત્યાર બાદ રાત્રે આઠ વાગ્યે આ પ્લેનને ટેક્સી-વે પરથી રનવે પર લાવી ગોંદિયા પાછું લઇ જવામાં આવ્યું હતું.



Google NewsGoogle News