બેલાપુરના જજે રાતના એક વાગ્યા સુધી કોર્ટ કાર્યવાહી ચલાવી
વિદેશમાં નોકરીને બહાને કરોડોની ઠગાઈના આરોપીને રિમાન્ડ
પોલીસ એમપીથી આરોપીને પકડીને રાતે 10 વાગ્યે કોર્ટમાં લઈ આવીઃ સુપ્રીમ કોર્ટના આદર્શને અનુસરતાં ન્યા. પી. પી. આવટેની ચોમેર પ્રશંસા
મુંબઈ : બેલાપુર કોર્ટના ન્યા. પી. પી. આવટેએ એક કેસમાં મધરાત એક વાગ્યા સુધી કોર્ટનું કામકાજ ચલાવીને સુપ્રીમ કોર્ટનો આદર્શ ચાલુ રાખ્યો છે, આથી આ જજની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
એપીએમસી પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો ધરાવતા આરોપી મોહમ્મદ યુનુસ મોહમ્મદ અન્વર અન્સારી, લીના અરોરા, પુનિત અરોરા અને વિકી જોસેફએ જીએસઓએસ કન્સલ્ટન્સી નામે એપીએમસીની કમોડિટી એક્સચેન્જ બિલ્ડિંગમાં એપ્રિલમાં ઓફિસ ખોલી હતી. ત્યાર બાદ ચારે જણે બેરોજદાર યુવાનોને સિંગાપુરમાં વેઈટરની નોકરી આપવાને બહાને લાખો પડાવ્યા હતા. કેટલાંક યુવકો પાસેથી પાસપોર્ટ અને દસ્તાવેજો લીધા હતા. ગયા મહિને આ ચારે ઓફિસ બંધ કરીને નાસી ગયા હતા. ઠગાઈનો ભોગ બનેલા યુવકોએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં આ ચારે જણે ૩.૩૮ કરોડ પડાવ્યા હોવાનું જણાયું હતું. પોલીસે આરોપીઓ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તન્વીર શેખના માર્ગદર્શન હેઠળ આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર અશોક ડમાળે અને તેમની ટીમે લીના અને જોસેફને મધ્ય પ્રદેશના ઈંદોરથી પકડીને શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે બેલાપુર કોર્ટમાં હાજર કર્યા હતા. બેલાપુર કોર્ટના ન્યા. આવટેએ આરોપીને પોલીસ કસ્ટડી પર સુનાવણી લેવા મધરાત એક વાગ્યા સુધી કોર્ટનું કામકાજ ચાલુ રાખ્યું હતું. સરકારી વકિલ અરુણ ફાટકેએ પોલીસ તરફથી બાજુ રજૂ કરી હતી. કોર્ટે બંને અરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.