ઘૂસણખોરે જેહના રુમમાં પ્રવેશી 1 કરોડની ખંડણી માગી હતી
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને તપાસ
લાકડી તથા હેકસો બ્લેડ જેવી વસ્તુઓ લઈને આવ્યો હતો, ઝપાઝપીમાં કેરટેકરને ઈજા થઈ
મુંબઇ - બોલીવુડના એક્ટર સૈફ અલીખાન પર નેતા ઘરમાં ઘુસેલા અજાણ્યા ઘૂસણખોરે કરેલા હુમલા બાબતની ચોંકાવનારી વિગત પોલીસને આપતા સૈફના ઘરની સ્ટાફ નર્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘૂસણખોરે એક કરોડ રૃપિયાની ખંડણી માગી હતી. આ કેસની ફરિયાદી એલિયામા ફિલીપે જણાવ્યું હતું કે અજાણ્યો ઘૂસણખોર સૌ પ્રથમ સૈફ અને કરીના કપૂર ખાનના નાના પુત્ર જેહની રૃમમાં પ્રવેશ્યો હતો.
એલિયાના ફિલીપના જણાવ્યાનુસાર તે જેહ માટે કેરટેકર અને નર્સનું કામ કરે છે. અને રાત્રે ૧૧ વાગ્યે તેને ડીનર કરાવી એજ રૃમમાં સૂઇ ગઇ હતી.રાત્રે બે વાગ્યે જેહની રૃમમાંથી અવાજ આવતા અને બાથરૃમની લાઇટ ચાલુ જોવા મળતા તે ઝબકી ગઇ હતી અને બાથરૃમમાં કોણ છે તે જોવા ઉઠી ત્યારે એક અજાણ્યો બટકો પાતળો માણસ બહાર આવ્યો હતો. તે જેહના પલંગ તરફ જઇ રહ્યો હતો ત્યારે તે વ્યક્તિ અચાનક તેની તરફ વળ્યો હતો અને તેની તરફ આંગળી કરી હિન્દીમાં કોઇ અવાઝ નહીં તેવું કહ્યું હતું.
ફિલીપના નિવેદન મુજબ તેમ છતા તે જ્યારે જેહને ઉઠાવવા ગઇ ત્યારે ડાબા હાથમાં લાકડીની છડી અને જમણા હાથમાં હેક્સો બ્લેડ જેવી વસ્તુ ધરાવતો આ અજાણ્યો વ્યક્તિ તેની તરફ ધસી આવ્યો હતો. આ બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં ફિલીપને હાથમાં બ્લેડથી ઇજા પહોંચી હતી. આ સમયે ફિલીપે તેને પૂછયું કે તને શું જોઇએ છે ત્યારે તેણે તેને એક કરોડ રૃપરિયા જોઇએ છે તેવું તેણે કહ્યું હતું.
ફિલીપ ખાન દંપત્તિ સાથે છેલ્લા ચાર વર્ષથી કામ કરે છે. આ સમયે ત્યાં હાજર આયાએ મદદ માટે બૂમો પાડતા સૈફ અને કરીના ત્યાં ધસ આવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ઘૂસણખોરે સૈફ અલી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ઘરમાં હાજર અન્ય સ્ટાફ પણ મદદ માટે ધસી આવ્યા હતા. આ દરમિયાન ફિલીપ અને અન્યો ડરના માર્યા રૃમમાંથી બહાર દોડી આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ઘૂસણખોર ભાગી છુટયો હતો.
આ હુમલામાં સૈફને શરીરમાં વિવિધ ભાગોમાં ઇજા થઇ હતી. અને ભારે રક્તસ્ત્રાવ થતો હતો. ફિલીપના જણાવ્યા મુજબ હુમલા ખોરની ઉંમર ૩૫થી ૪૦ વર્ષની હશે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી વ્યક્તિ દાદર વાટે ભાગી છૂટતી જોવા મળે છે.
દરમિયાન, આ કેસની તપાસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને સોંપવામાં આવી હોવાનું મનાય છે. દયા નાયકે આજે હોસ્પિટલ તથા ઘરની મુલાકાત લીધી હતી.