મુંબઇના નેશનલ પાર્કમાં રૃપકડું ગ્રે ફ્રેન્કોલીન પક્ષી દેખાયું
અનેક જાતના અવાજો કરે, મોજમાં આવીને સીટી પણ વગાડે
ઘાસના મેદાનોમાં અને એકાંતમાં રહેતું આ પંખી નેશનલ પાર્કનાં ગાઢ જંગલોમાં આવી ગયું: બીએનએચએસના નિષ્ણાતો દ્વારા અભ્યાસ
મુંબઇ : મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્ક(એસજીએનપી--બોરીવલી -પશ્ચિમ)માંથી ગ્રે ફ્રેન્કોલીન નામનું અને વિશિષ્ટ પ્રજાતિનું રૃપકડું પક્ષી મળી આવ્યું છે. પક્ષીઓ,પ્રાણીઓ,સુક્ષ્મ જીવો,પર્યાવરણ વગેરે ક્ષેત્રમાં બહોળું સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(બીએનએચએસ) દ્વારા ૨૦૨૩ના ડિસેમ્બરમાં નેશનલ પાર્કમાં યોજાયેલા પક્ષીઓની વસતિ ગણતરી અભિયાન દરમિયાન આ ગ્રે ફ્રેન્કોલીન પંખી મળી આવ્યું છે.
બીએનએચએસના ડાયરેક્ટર કિશોર રીથેએ અને પક્ષી પક્ષી નિષ્ણાત ડો.રાજુ કસંબેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે અમે નેશનલ પાર્કમાં વિવિધ પ્રજાતિનાં પક્ષીઓની વસતિ ગણતરી કરી રહ્યા હતા તે દરમિયાન અમને આ ગ્રે ફ્રેન્કોલીનનો વિશિષ્ટ પ્રકારનો કોલ(અવાજ) સંભળાયો હતો. ગ્રે ફ્રેન્કોલીન ક્રી .. ક.ક.ક.. કોઉઊ.. જેવો અવાજ કરતું રહે. આનંદમાં આવી જાય એટલે સિટી પણ મારે. એટલે કે આ રૃપકડું પક્ષી એક કરતાં વધુ પ્રકારના અવાજ કરતું રહે છે. અમે આ પક્ષીનો વિશિષ્ટ પ્રકારના અવાજનું રેકોર્ડિંગ કર્યું છે. સાથોસાથ તેના સુંદરમજાના કલરફૂલ ફોટોગ્રાફ્સ પણ લીધા છે.આ બધી માહિતીના આધારે આ પક્ષી ગ્રે ફ્રેન્કોલીન હોવાની ખાતરી થઇ છે.
ગ્રે ફ્રેન્કોલીન પક્ષી (જેને ભારતની સ્થાનિક ભાષામાં તેતર - તીતર કહે છે) ખરેખર તો ઘાસનાં મેદાનોમાં,ખેતીવાડી થતી હોય તેવા વિસ્તારોમાં અને જમીન પર રહેતું પક્ષી છે.આમ છતાં એસજીએનપીના જંગલોમાં કઇ રીતે પહોંચી ગયું તે અભ્યાસ મહત્વનો છે. એટલે કે ભારતમાં ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ,નાગાલેન્ડ, કશ્મીર વગેરે રાજ્યોમાં ઘાસનાં વિશાળ અને લીલાંછમ મેદાનો છે. ગ્રે ફ્રેન્કોલીન ઘાસનાં આ મેદાનોમાં રહે છે. ગ્રે ફ્રેન્કોલીન પક્ષી આ બધા દૂરના ઘાસના મેદાનોમાંથી છેક મુંબઇના નેશનલ પાર્કનાં ગાઢ જંગલોમાં આવ્યું હોવાથી અમે તેની વિગતો ભેગી કરી રહ્યા છીએ. આ પંખી ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઇરાનમાં પણ જોવા મળે છે.
ગ્રે ફ્રેન્કોલીન પંખીનો રંગ ભૂખરો અને લાલ હોય છે. નર પક્ષીની લંબાઇ ૨૯-૩૪ સેન્ટીમીટર જ્યારે માદાની લંબાઇ ૨૬ -૩૦ સેન્ટીમીટર હોય. ઉંચાઇ ૩૩ -૩૬ સે.મી.જ્યારે વજન ૨૬૦ -૩૧૦ ગ્રામ જેટલું હોય. ગ્રે ફ્રેન્કોલીન પક્ષીની પીઠના લાલ રંગી હિસ્સામાં સફેદ રંગની આડી અને ઉભી લાઇન હોય છે. આવી વિશિષ્ટ રચનાથી આ પક્ષીની પીઠ પર લાલ અને ધોળા રંગનાં નાનાં નાનાં ચોકઠાંનું કવચ ગોઠવ્યું હોય તેવું આકર્ષક દ્રશ્ય લાગે. ગ્રે ફ્રેન્કોલીનના ગળાનો રંગ રાખોડી હોય અને તેના પર પણ સફેદ રંગની અસંખ્ય લાઇન હોય. ગોળાકાર માથાનો રંગ આછેરો રાતો,આંખ ગોળ, કાળી હોય.ચાંચ કાળી, નાની,જાડી, થોડીક વળેલી,ધારદાર હોય.
ગ્રે ફ્રેન્કોલીન પક્ષી સુક્ષ્મ જંતુઓ, બીજ ખાઇને જીવે છે. આ સુંદર પંખી તેનો માળો ઘાસનાં ગીચ મેદાનોમાં બનાવે છે. તેના માળાનો આકાર ચા કે કોફીના કપ જેવો હોય છે. માદા તેતર આ જ માળમાં ઇંડાં મૂકે અને સેવે છે.