શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી રચી
મંદિર, ભક્તોની સલામતી માટે સીઆઈએસએફને તહેનાત કરવાની અરજી
કમિટીએ નવેમ્બર સુધીમાં કોર્ટને અહેવાલ રજૂ કરવાનો રહેશે
મુંબઈ : શિરડી સાઈબાબા મંદિરની સુરક્ષાને મુદ્દે બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં ભૂતપૂર્વ મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ કમિટી ગઠીત કરી છે. મંદિર અને ભક્તોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને તહેનાત કરવાની જરૃર છે કે નહીં એ નક્કી કરવા અને હાલની સુરક્ષાની ફેરવિચારણા કરવામાં આવશે.
કોર્ટે મુદ્દાને અતિ સંવેદનશીલ ગણાવીને જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકારને આ મુદ્દે કમિટી ગઠીત કરીને ભલામણો કોર્ટને રજૂ કરવાનો આદેશ આપીએ છીએ. આખા મંદિર પરિસરમાં કે અમુક વિસ્તારમાં જ સુરક્ષાની આવશ્યકતા છે અથવા તો સીઆઈએસએફ સાથે સીઆરપીએફ કે એઆરપી કે હોમ ગાર્ડને તહેનાત રાખવા તેનો વિકલ્પ પણ સૂચવવા જણાવ્યું છે.
નિવૃત્ત ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળની સમિતિમાં રાજ્યના નિવૃત્ત ડિજીપી અથવા મહારાષ્ટ્ર સીબીઆઈના નિવૃત્ત ડિરેક્ટર તેમ જ સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓનો કમિટીના સેક્રેટરી સ્થાને સમાવેશ હોવો જોઈએ એમ બેન્ચે જણાવ્યું હતું.
કમિટીને ૩૦ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કામ પૂરું કરીને હાઈ કોર્ટના રજિસ્ટ્રારને અહેવાલરજૂ કરવાનો આદેશ અપાયો છે. સાઈબાબા મંદિરની સલામતી વધારવાની દાદ માગતી જનહિત અરજીની સુનાવણીમાં આ આદેશ અપાયો હતો.
શિરડી વિસ્તારમાં વધી રેહલી ગુનાખોરી અને ૨૦૦૭માં મંદિરની દાનપેટીમાંથી સાત જીવંત કારતૂસ મળ્યાની ઘટના પણ ટાંકવામાં આવી હતી. મંદિર આસપાસ ઊભી થઈ રહેલી હાઈરાઈસ ઈમારતો પણ જોખમનું કારણ હોવાનું જણાવ્યું હતું.
પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ, અહેમદનગર, સંસ્થાનની એડહોક કમિટીના ચેરમેને આપેલા અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં ભતપૂર્વ ટ્રસ્ટી અને સ્થાનિકોએ રામ નવમીની ઉજવણી વખતે મંદિર પર કબજો કર્યો હતો અને સલામતી વ્યવસ્થા ખોરવી હતી. તાજેતરમાં શિરડીથી અનેક રીઢા ગુનેદારો પકડાયા હોવાનો પણ દાવો કરાયો છે. અરજદારની દલીલમાં તથ્ય નથી એવું અમે કહેવા માગતા નથી પણ શિરડીમાં ગુનાખોરી વધી હોવાનો અર્થ એવો પણ નથી કે તિર્થમાં સલામતી વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે અથવા સિર્ટોરિટી એજન્સીઓ અસરકાર રહી નથી, એમ જજોએ નોંધ કરી હતી.