નીતીન દેસાઈના સ્ટુડિયોના લીલામમાં સરકાર પણ ભાગ લેશે
જોધા- અકબર સહિત ફિલ્મોનું શૂટિંગ થયું છે
મહારાષ્ટ્ર સરકાર સ્ટુડિયો ખરીદી નિર્માતાઓને શૂટિંગ માટે ભાડે આપશે
મુંબઇ : બોલીવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતીન દેસાઇના કર્જતમાં આવેલા એન.ડી. સ્ટુડિયોના લીલામની તૈયારી થઇ રહી છે. અત્યારે આ સ્ટુડિયો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલના તાબામાં છે. ટ્રીબ્યુનલ તરફથી લીલામ યોજાશે એમાં ભાગ લઇ સ્ટુડિયો હસ્તગત કરવાનો ઇરાદો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કર્યો છે.
ચાર વખત નેશનલ એવોર્ડ વિજેતા કલા નિર્દેશક નીતીન દેસાઇએ રાયગઢ જિલ્લાના કર્જતમાં બાવન એકરમાં વિશાળ એરિયામાં એન.જી. સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું. આ સ્ટુડિયો માટે દેસાઇએ લગભગ ૧૦૦ કરોડ રૃપિયાની લોન લીધી હતી. આ લોન ભરપાઇ ન કરી શકતા છેવટે તેમણે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું.
આ સ્ટુડિયોમાં જોધા-અકબર, બાજીરાવ-મસ્તાની, સ્લમડોગ મલેનિયર સહિત અનેક ફિલ્મો અને બિગ-બોસ શોનું શૂટિંગ થયું હતું. રાજ્ય સરકારની એવી ઇચ્છા છે કે મહાન આર્ટ ડાયરેક્ટરે ઉભા કરેલા આ સ્ટુડિયોને જાળવી રાખવો જોઇએ. ભવિષ્યમાં પણ સ્ટુડિયો તરીકે જ તેનો ઉપયોગ થાય એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જ્યારે પણ લીલામની પ્રક્રિયા શરૃ થાય ત્યારે આ સ્ટુડિયો ખરીદી લેવા માટેની સૂચના અધિકારીઓને આપી હોવાનું જાણવા મળ્યું છે.
સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઓક્શનમાં ભાગ લેશે, અમારી બીડ સ્વીકારાશે તો આ સ્ટુડિયોનો હવાલો સંભાળીને આ જગ્યાને સ્ટુડિયો તરીકે જ ઉપયોગમાં લેવાશે. મરાઠી ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ માટે રાહતના દરે સ્ટુડિયો ફાળવવામાં આવશે.