બાળકો ઉઠાવી ગયેલી ગેંગના સભ્યો અંદરોઅંદર ઝઘડયા તેમાં પકડાયા
- કલ્યાણ વિસ્તારમાંથી બાળકોનુ અપહરણ કર્યું હતું
- ચારોટી પાસે કારમાંથી ઉતરી મારામારી કરતા હતા, અંદર બે બાળકોને જોઈ લોકોને શંકા ગઈ
મુંબઇ : દહાણુના ચારોટી ખાતે પોલીસે કલ્યાણ વિસ્તારમાંથી બે બાળકોનું અપહરણ કરનાર ટોળકીની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ મહિલા સહિત પાંચની ધરપકડ કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવાર રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ચારોટી બ્રિજની નીચે કેટલાક લોકો ે કાર પાર્ક કરીને ઝઘડો કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ સયમે તમામ લોકો કારમાંથી નીચે ઉતરીને ઝઘડો વધતા મારામારી સુધી પહોંચી ગયા હતા. તેથી ત્યાં હાજર સ્થાનિક યુવાનોએ ઝઘડો ઉકેલવા દરમિયાનગીરી કરી હતી. તે સમયે યુવાનોએ જોયું હતું કે, કારમાં બે બાળકો પણ બેઠા હતા. જેમાંથી એક આઠ વર્ષ અને બીજો પાંચ વર્ષનું હતું.
તે સમયે ટોળકીના સભ્યો મરાઠી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા. પરંતુ તેમની સાથે રહેલ બંને બાળકો હિંદી ભાષી હોવાથી યુવાનોને શંકા ગઈ હતી. આથી તેઓએ ટોળકીના સભ્યોને આ અંગે પૂછતા અનાથ બાળકોને અમે સંભાળી રહ્યા છે એમ કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવાનોએ બાળકોને વિશ્વાસમાં લેતા તેમની પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે સમયે યુવાનોએ પોલીસને તમામ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે કારમાં રહેલા તમામ સભ્યો શંકાસ્પદ લાગતા પોલીસે ગેંગના તમામ સભ્યોને અને બાળકોની પૂછપરછ કરતા તમામ વિગતો બહાર આવી હતી. આ બાદ પોલીસે બાળકોને તેમનું ઘર ક્યાં છે તે અંગે પૂછ્યુ હતું. તો તેમની પાસે કોઈ ફોન નંબર છે કે તે પણ ખાતરી હતી. જેમાંથી એક બાળકે તેમને એક ફોન નંબર આપ્યો હતો.
આ નંબર પર સંપર્ક કરતા બાળકના માતા પિતાએ તેમના બાળકોનું અપહરણ થયું હોવાની માહિતી આપી હતી. આ બાબતે કલ્યાણમાંથી મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. આ તમામ માહિતી મળ્યા બાદ પોલીસે આ કેસમાં વિનોદ, આકાશ, અંજલિ, ચંદા અને જયશ્રીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પોલીસે કલ્યાણ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાલઘર પોલીસના માર્ગદર્શન હેઠળ તમામ ગેંગના સભ્યોને અને બાળકોને કલ્યાણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. કલ્યાણ પોલીસે આ મામલે ગેંગ સામે અપહરણનો કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.