મહારાષ્ટ્ર ટેટ પરીક્ષાનું ભાવિ અધ્ધરતાલ, ઉમેદવારોનો જીવ તાળવે
પરીક્ષા હવે એપ્રિલ સુધી ઠેલાય તેવી સંભાવના
મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ માધ્યમમાં પરીક્ષા લેવામાં ટેકનિકલ સમસ્યા
મુંબઇ : ચાલુ મહિનામાં આયોજીત મહારાષ્ટ્ર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ૨૦૨૪ પરીક્ષા અમુક ટેકનિકલ કારણોસર સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સલ ઓફ એક્ઝીમિનેશન (એમએસસીઇ) દ્વારા સંચાલિત આ પરીક્ષા હવે એપ્રિલમાં થઇ શકે છે.
સંબંધિત અધિકારીઓ મુજબ રાજ્ય સરકારને કાઉન્સિલ તરફથી મરાઠી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં પરીક્ષા યોજવામાં આવતા પડકારો અંગે ફરિયાદી પત્ર મળ્યો હતો. રાજ્ય સરકાર ટેટ પરીક્ષા વર્ષમાં બે વાર રાખવાનું ઇચ્છે છે.
ફેબુ્રઆરીમાં પરીક્ષા યોજાવાની હતી. જેના આવેદન પત્રો શિક્ષણ વિભાગે સ્વીકાર્યા છે. જોકે હવે પરીક્ષાને મુલતવી રાખવી પડશે કારણ કે ત્રણ જુદા-જુદા માધ્યમોમાં આયોજીત પરીક્ષા અંગે ટેકનિકલ ખામીઓ પેદા થઇ છે. હાલમાં આ સમસ્યા ઉકેલવાના પ્રયાસો ચાલું છે .
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૧માં તુકારામ સુપેની એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે જાન્યુઆરી ૨૦૨૦માં યોજાયેલી ટેટ પરીક્ષામાં ગેરરીતિ આચરવા એમએસસીઇના અધ્યક્ષ અને કમિશનર તરીકેના તેના પદનો ગેરલાભ ઉઠાવ્યો હતો.