ધો.12ની પરીક્ષા 21 ફેબુ્રઆરી તો ધો.10ની પહેલી માર્ચથી શરુ થશે
મહારાષ્ટ્ર બોર્ડની અધિકૃત ઘોષણા
આજથી વિદ્યાર્થીઓને વેબસાઈટ પર તારીખવાર ટાઈમટેબલ જોવા મળશે
મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો પરિપત્રકના માધ્યમે જાહેર કરી દેવાઈ છે. ધો.૧૨ની લેખિત પરીક્ષા ૨૧ ફેબુ્રઆરી ૨૦૨૪થી ૧૯ માર્ચ ૨૦૨૪ સુધી ચાલશે તો ધો.૧૦ની લેખિત પરીક્ષા પહેલી માર્ચ, ૨૦૨૪થી ૨૬ માર્ચ ૨૦૨૪ સુધી ચાલશે, મહારાષ્ટ્ર બોર્ડ, પુણેએ પરિપત્રકના માધ્યમે આ માહિતી જાહેર કરાઈ છે.
ધો.૧૦ની પ્રેક્ટિકલ્સ, મૌખિક તેમજ આંતરિક મૂલ્યમાપન પરીક્ષા શનિવાર તા.૧૦ ફેબુ્રઆરી ૨૦૨૪થી ગુરુવાર તા.૨૯ ફેબુ્રઆરી, ૨૦૨૪ સુધી ચાલશે તેમજ ધો.૧૨ની પ્રેક્ટિકલ્સ, મૌખિક, આંતરિક મૂલ્યમાપન પરીક્ષા શુક્રવાર તા.૦૨ ફેબુ્રઆરી ૨૦૨૪થી મંગળવાર તા.૨૦ ફેબુ્રઆરી ૨૦૨૪ સુધી લેવામાં આવશે.
પરીક્ષાનું તારીખવાર સવિસ્તર ટાઈમટેબલ બીજી નવેમ્બરથી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જાહેર કરાશે. છતાંય પરીક્ષા પહેલાં માધ્યમિક સ્કૂલ/ઉચ્ચ માધ્યમિક સ્કૂલ/જૂનિયર કૉલેજને જે પ્રિન્ટેડ ટાઈમટેબલ બોર્ડ તરફથી અપાશે, તેના પર જ વિશ્વાસ મૂકવો. સોશિયલ મીડિયા પર ચાલતી ટાઈમટેબલ સંબંધિત કોઈપણ વાતોને ધ્યાનમાં લેવી નહિ, એવું પણ બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.