ધો.12ની પરીક્ષા 11 ફેબ્રુઆરી તો ધો.10ની 21 ફેબુ્રઆરીથી શરુ થશે
મહારાષ્ટ્ર બોર્ડે ફાઈનલ ટાઈમટેબલ જાહેર કર્યું
ધો.12ની પ્રેક્ટિકલ્સ, મૌખિક જાન્યુઆરી તો ધો.10ની ફેબુ્રઆરીમાં થશે, સમયસર પરિણામ આપવા આ વર્ષે પરીક્ષાઓ અઠવાડિયું વહેલી
મુંબઈ : મહારાષ્ટ્ર બ્રોડે ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૫માં લેવામાં આવનારી ધો.૧૦, ૧૨ની પરીક્ષાનું અંતિમ ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. તે મુજબ ધો.૧૨ની લેખિત પરીક્ષા ૧૧ ફેબુ્રઆરીથી ૧૮ માર્ચ અને ધો.૧૦ની લેખિત પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાશે. જોકે આ ટાઈમટેબલની સાથે જ એ પણ સ્પષ્ટ થયું છે કે, દર વર્ષની તુલનાએ આ વર્ષે પરીક્ષાઓ આઠથી દસ દિવસ વહેલી શરુ થઈ રહી છે.
સ્ટેટ બોર્ડના સેક્રેટરી દેવિદાસ કુલ્હાળે સર્ક્યુલર દ્વારા ફાઈનલ ટાઈમટેબલની માહિતી આપી છે. સ્ટેટ બોર્ડના ટાઈમટેબલ મુજબ ધો.૧૨ની પ્રેક્ટિકલ્સ, ઈન્ટરનલ અસેસમેન્ટ, મૌખિક પરીક્ષા ૨૪ જાન્યુઆરીથી ૧૦ ફેબુ્રઆરી વચ્ચે થશે તો ધો.૧૦ની પ્રેક્ટિકલ, ઈન્ટરનલ અસેસમેન્ટ, મૌખિક પરીક્ષા ૩ થી ૨૦ ફેબુ્રઆરી વચ્ચે થશે. બોર્ડે પરીક્ષાનું વિષયવાર સંપૂર્ણ ટાઈમટેબલ તેની અધિકૃત વેબસાઈટ પર જાહેર કર્યું છે. આ સાથે જ બોર્ડે એવું પણ જણાવ્યું છે કે, વેબસાઈટ સિવાયના અન્ય કોઈપણ પ્રિન્ટેડ કે વૉટ્સએપ જેવા સોશિયલ માધ્યમ પર આવતાં ટાઈમટેબલનો વિશ્વાસ કરવો નહીં.
દરવર્ષે ધો.૧૨ની પરીક્ષા ફેબુ્રઆરીના ત્રીજા અઠવાડિયે અને દસમાની પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયે શરુ થતી હોય છે.ત્યારબાદ પરિણામ મે-જૂનમાં જાહેર થતાં હોય છે. તે દરમ્યાન વિવિધ પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે. રેગ્યુલર પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા જુલાઈ-ઑગસ્ટ દરમ્યાન લેવાઈ જતી હોય છે. આ તમામ પ્રક્રિયામાં વપરાતો સમય બચાવવા, વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા માટે સમય મળે તેમજ સમયસર પરિણામ જાહેર કરી ઉપલાં વર્ષના નવા એડમિશન સમયસર પૂર્ણ કરી શકાય તે માટે બોર્ડે આ વર્ષે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ દસેક દિવસ વહેલી લેવાનું આયોજન કર્યું છે.