કોવિડ ડિકશનરી વૈશ્વિક વ્યાધિએ વિકસાવ્યો કોરોનાને લગતો નવો શબ્દકોશ
- કોરોનાને લગતા ઘણાં નવા નવા શબ્દો ઉમેરાયા
મુંબઈ, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
સમયાંતરે આપણી રોજિંદી ભાષામાં નવા નવા શબ્દો ઉમેરાતા હોય છે. આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવા શબ્દો આપણી ભાષામાં સહજતાથી ઉમેરાઈ જતા હોય છે. તેમાંય સોશ્યલ મીડિયાના, ખાસ કરીને ટ્વીટરના વધતા જતા ઉપયોગને કારણે નવી પેઢીએ શોધી કાઢેલા નવા નવા શબ્દોનું ચલણ શરૂ થઈ જાય છે. વળી હમણાં વરતી રહેલા કોરોનાના કહેરને કારણે પેદા થયેલા તાળાબંધીની સ્થિતિમાં ઘરમાં પૂરાયેલા લોકો સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરે છે. પરિણામે તેમાં કોરોનાને લગતા ઘણાં નવા નવા શબ્દો ઉમેરાયા છે.
આજની તારીખમાં આપણને કોરોના અને તેને કારણે લાગતા ચેપ, ફેલાતા સંક્રમણ માટે પ્રયોજાતા ઘણાં નવા શબ્દો સાંભળવા મળે છે. તમે ટી.વી. પર ન્યુઝ જોતાં હો કે છાપું વાંચતા હો (મોટાભાગે ઈ-પેપર) ત્યારે તમને તેના ઘણાં તબીબી પારિભાષિક શબ્દો વાંચવા- સાંભળવા મળશે. જેમ કે 'સુપર સ્પ્રેડર', 'કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ', 'કમ્યુનિટિ સ્પ્રેડ', 'ફલેટન ધ કર્વ', 'યંગ વેકટર' ઉપરાંત જીવનશૈલીને લગતાં 'સોશ્યલ ડિસ્ટંસિંગ', 'સોશ્યલ આઈસોલેશન', 'કોકૂનિંગ', 'સેલ્ફ ક્વોરન્ટીન', 'કેરમોન્ગેરિંગ' ઈત્યાદિ. આ સિવાય હાલની પરિસ્થિતિમાં લોકો ઓફિસનું કામ ઘરેથી કરતાં હોવાથી 'વર્ક ફ્રોમ હોમ' (ડબલ્યુએફએચ), 'કોન્ટેક્ટલેસ ડિલિવરી', 'ડિસ્ટંસ લર્નિંગ' અને 'ક્વોરન્ટીની' અને 'વર્ચ્યુઅલ હેપી આવર' જેવા નવા પારિભાષિક શબ્દો તેમજ શબ્દ સમૂહ અસ્તિત્વમાં આવ્યાં છે.
ભાષા નિષ્ણાતો કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષમાં સોશ્યલ મીડિયાના વધેલા ઉપયોગને કારણે આપણી ભાષા ઉત્તરોત્તર છીછરી બની રહી હતી. પરંતુ કોરોના વાઈરસે આપણને આપણી ભાષાના 'આશા' અને 'ભય' જેવા શબ્દોનો ખરો અર્થ સમજાવવાનું કામ કર્યું છે. જોકે આનો અર્થ એવો નથી થતો કે સોશ્યલ મીડિયા ડાહ્યું ડમરું થઈ ગયું છે. કોરોનાને લગતા શબ્દોનો નવો ખજાનો સોશ્યલ મીડિયા પર નજર નાખતાં સહેજે જડી આવે. જેમકે 'ડ્રમસ્ક્રોલિંગ'. જે લોકોને સારી રીતે જાણ હોય કે તેઓ વારંવાર ન્યુઝ એપ સ્ક્રોલ કર્યા કરશે તોય તેમને કોઈ સારા સમાચાર જોવા નથી મળવાના તોય તેઓ લગત લાગી ગઈ હોય એ રીતે વારંવાર સ્ક્રોલ કર્યાં કરે. જ્યારે માઠા સમાચારોની માત્રા વધી જાય તેને 'કોરોનાડોઝ' કહેવાય છે.
ક્વોરન્ટાઈનમાં રહેલા કે પછી હાલના તબક્કે ફરજિયાતપણે ઘરમાં પૂરાઈ રહેલા લોકો જે કોકટેલ પીએ છે.તેને 'ક્વોરન્ટિની' કહેવાય છે. આ સિવાય 'વર્ચ્યુઅલ હેપ્પી આવર' લખવાનો ટ્રેન્ડ પણ ફૂલ્યો ફાલ્યો છે.
હમણાં હમણાં સોશ્યલ મીડિયા પર એવી ઘણી રમૂજ ચાલે છે કે લોકડાઉનના સમયથી લઈને નવ- દસ મહિનામાં ઘણાં નવા બાળકો જન્મ લેશે. તાળાબંધીના સમયમાં ગર્ભસ્થ થયેલા શિશુઓ 'કોરોનિયલ્સ/ ક્વોંરન્ટિન્સ' અથવા 'જેન-સી' કહેવાશે.
જે લોકો પોતાની તેમજ અન્યોની જિંદગી જોખમમાં મૂકીને સડકો પર રખડવાની, સોશ્યલ ડિસ્ટિંસિંગનું ઉલ્લંધન કરવાની મૂર્ખતા કરી રહ્યાં છે તેમને 'કોવિડિયટ' કહેવાય છે.
'વર્ક ફ્રોમ હોમ'ને કારણે લાંબા સમય સુધી ઘરમાં એક સાથે રહેનારા પતિ- પત્નીના મતભેદો સપાટી પર આવી રહ્યાં છે. તેવી જ રીતે ઘણાં લોકો એકમેકના અત્યાર સુધીના અજાણ્યા પાસાં (સ્વભાવ)થી પરિચિત થઈ ર હ્યાં છે. પરિણામે તેમની વચ્ચે રોજેરોજ લડાઈ- ઝઘડાં થઈ રહ્યાં છે. ચીનમાં તો આવા ઝગડાને કારણે ઘણાં છૂટાછેડાં (ડિવોર્સ) પણ થયાં છે. આમ કોરોનાના કારણે થયેલા ડિવોર્સ માટે 'કોવિડિવોર્સ' શબ્દ પ્રયોજાય છે.
આજ દિન સુધી શરદી- ખાંસી- છીંકીને સાવ હળવાશથી લેનારા લોકોને સહેજ ખાંસી આવે તોય ગભરામણ થઈ જાય છે. તેમને પણ ક્યાંક 'કોવિડ-૧૯' લાગૂ નહીં પડયો હોયને એવો ભય લાગે તેને 'પ્રી- ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર' શબ્દ વિકસ્યો છે.
ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો માટે સમય પસાર કરવો યક્ષ પ્રશ્ન બની રહે છે. તેમની એક એક પળ એક એક કલાકની જેમ વિતે છે. આવા સમયને 'ક્વોરન્ટાઈમ' કહેવામાં આવે છે.
સામાન્ય રીતે બે વ્યક્તિ મળે ત્યારે શિષ્ટાચારના ભાગરૂપે હાથ મિલાવે કે પછી અચાનક છીંક આવે ત્યારે મોઢા સામે હથેળી ધરી છે. પરંતુ કોરોના મહામારીને પગલે હાથ મિલાવવાનો ટ્રેન્ડ કોરાણે મૂકાઈ ગયો છે. તેને સ્થાને લોકો બંને હાથ જોડીને નમસ્તા કરવા લાગ્યાં છે અને હથેળી પર છીંક ઝીલવાને બદલે મોઢા આડે કોણી ધરવાનું ચલણ શરૂ થયું છે જેથી છીંકવાળી હથેળીનો અન્યત્ર સ્પર્શ થાય તોય ચેપ ફેલાવાની ભીતિ ન રહે. આવા શિષ્ટાચાર માટે 'પેન્ડેમિકેટટ શબ્દ પ્રયોજાય છે.
આ સિવાય એકલાં, ગરીબ, જરૂરિયાતમંદોની મદદ કરનારાઓને 'કેરમોંગરિંગ', એક જ સ્થળે અટવાઈ પડીને નિકટ આવેલા બે જણ એકમેકને લગ્નનો પ્રસ્તાવ આપે તેને 'પેન્ડેમિક પ્રપોઝલ' કોવિડને કારણે વિવિધ કારણોસર અવઢવમાં પડવાને 'કોવિડ-૨૨' કહેવાય છે. કોરોનાનો કહેર શરૂ થયા પછી આ અને આવા ઘણાં નવા નવા શબ્દો માત્ર મહામારીને કારણે શોધાયા છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ વૈશ્વિક વ્યાધિએ કોરોનાને લગતો નવો શબ્દકોશ તૈયાર કર્યો છે.