કોર્ટે નવાબ મલિકના જમાઈને દૂબઈ જવા મંજૂરી ન આપી
ડ્રગ કેસમાં ધરપકડ બાદ મુંબઈ નહીં છોડવાની શરતે જામીન મળ્યા હતા
સમીર ખાને કોઈ જરુરી કાર્યક્રમનો પુરાવો આપ્યો નથી, વિદેશ ગયા બાદ ફરાર થઈ જશે તેવીએનસીબીની આશંકા
મુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનને દુબઈ કામ માટે જવાની પરવાનગી નકાર કરવામાં આવી છે. ખાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ નોંધેલા ડ્રગના કેસમાં આરોપી છે અને ૨૦૨૧માં ધરપકડ કરાઈ હતી. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧માં તેમને જામીન અપાઈ હતી જેમાં શરત મૂકાઈ હતી કે પાસપોર્ટ જમા કરવાનો રહેશે અને કોર્ટની પરવાનગી વિના મુંબઈ બહાર જઈ શકશે નહીં.
ખાને જણાવ્યું હતું કે સુપરસ્ટાર લીગ નામના કાર્યક્રમના પોતે ફાઉન્ડર છે અને ભારતમાં સેલિબ્રિટીઓ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ વખતે આ કાર્યક્રમ દુબઈમાં રખાયો છે.
ખાનગી વેબ આધારીત સોલ્યુશન્સ અને વેબસાઈટ નિર્માણ કરવાના વ્યવસાયમાં હોવાથી મુંબઈ બહાર વારંવાર ફરવાનું થતું હોવાથી શરત હળવી કરવાની ખાને વિનંતી કરી હતી. ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ અરજી માન્ય કરીને મુંબઈ બહાર જવાની શરત હળવી કરાઈ હતી.
પસંદગીનો વ્યવસાય કરવાની બંધારણીય અધિકારને કોર્ટ છીનવી શકે નહીં એવી દલીલ કરીને ખાનને દુબઈ પ્રવાસની પરવાનગી આપવામાં આવે એમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
વિદેશ ગયા બાદ કાયદાની પકડથી દૂર રહેશે અને ભાગી જવાની આશંકા છે, એમ દલીલ કરીને એનસીબીએ ખાનની અરજીનો વિરોધ કર્યો હતો. આરોપી આવો કોઈ કાર્યક્રમ યોજી રહ્યો હોવાનું દર્શાવતા કોઈ આધારભૂત દસ્તાવેજો નથી અને વિદેશમાં તેની હાજરીની જરૃર છે એવું પણ નથી જણાયું.