શહેરમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન ડેન્ગી અને લેપ્ટોના કેસોમાં ઉછાળો આવ્યો
કોવિડની બીજી લહેર ઓસરી રહી છે ત્યારે
ગંદા પાણીથી ફેલાતા લેપ્ટોસ્પાઈરોસીસને રોકવા પાલિકાએ ડોક્સીસાઈક્લીન ગોળીઓ વિતરીત કરી
મુંબઈ : મુંબઈમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન ડેન્ગી અને લેપ્ટોસ્પાઈરોસીસના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ત્રણ વોર્ડમાં લેપ્ટોસ્પાઈરોસીસના વધુ કેસ નોંધાયા છે જ્યારે સમગ્ર શહેરમાં ડેન્ગીના કેસો જોવા મળી રહ્યા છે.
વોર્ડ ઈ (ભાયખલા, મઝગાંવ), એફ ઉત્તર (ધારાવી, માટુંગા) અને કે પૂર્વ (અંધેરી, જોગેશ્વરી પૂર્વ)માં સૌથી વધુ લેપ્ટોસ્પાઈરોસીસના કેસો જોવા મળ્યા છે. છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન લેપ્ટોસ્પાઈરોસીસના ૨૭ કેસો નોંધાયા છે. જુલાઈમાં ગંદા પાણીના બેક્ટેરિયાને કારણે થતી લેપ્ટોસ્પાઈરોસીસ બીમારીથી એક મોત પણ થયું હતું. ગંદા પાણીમાં ચાલવાથી પણ આ બીમારીનો ચેપ લાગે છે.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું જોખમી ગણાતા વોર્ડમાં લગભગ ૧.૪૦ લાખ ડોક્સીસાઈક્લીન ગોળીઓ વિતરીત કરવાને કારણે લેપ્ટોસ્પાઈરોસીસના કેસ નિયંત્રણમાં રહ્યા છે.
પાલિકાએ ઘેર ઘેર સરવે કરીને ૪૪.૮૦ લાખ ઘરો આવરી લીધા હતા. ૧૫ ઓગસ્ટ સુધીમાં ડેન્ગીના ૬૧ કેસો નોંધાયા છે. જુલાઈ મહિનામાં ૨૮ કેસો નોંધાયા હતા.
જો કે કોવિડ અગાઉના સમયની સરખામણીએ ડેન્ગીના કેસ ઓછા છે, પણ મચ્છરથી ફેલાતી આ બીમારી ગયા વર્ષની સરખામણીએ વધુ લોકોને સંક્રમિત કરી રહી છે. ૨૦૨૦માં ડેન્ગીના કુલ ૧૨૯ કેસો નોંધાયા હતા જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં જ ૧૩૮ કેસો બની ગયા છે. ૨૦૧૯માં ડેન્ગીના કુલ ૯૨૦ કેસો થયા હતા જેમાંથી ત્રણ દરદીના મોત થયા હતા.
શહેરના આઈસીયુમાં પણ લેપ્ટોસ્પાઈરોસીસ અને ડેન્ગીને કારણે અચાનક થતી શ્વસનતંત્રની તકલીફની સારવાર કરાઈ રહી છે. સેવન હિલ્સ હોસ્પિટલે આપેલી માહિતી અનુસાર તેમની હોસ્પિટલમાં અત્યાર સુધી ડેન્ગી અને લેપ્ટસ્પાઈરોસીસના સાત કેસ આવ્યા છે.
ઓગસ્ટમાં અત્યાર સુધી મલેરિયાના પણ ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. ઉપરાંત ૧૬૦ કેસ ગેસ્ટ્રોએન્ટરાઈટીસ અને આઠ કેસ એચ૧એન૧ ઈન્ફ્લ્યુએન્ઝાના નોંધાયા છે.