મુખ્ય ચૂંટણી કમિશનરે લલકાર્યું, કુછ તો લોગ કહેંગે...
કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે લોકોને અભિનંદન
એક્ઝિટ પોલ ખોટા પડતા હોવા અંગે પણ ટકોર : ઉતાવળે ખોટા રિઝલ્ટ ટ્રેન્ડની પણ ટીકા
ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં સફળ ચૂંટણી માટે મતદારોને અભિનંદન આપવાની સાથે સાથે પોતાની પીઠ પણ જાતે થાબડી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહીના તહેવારને ઐતિહાસિક બનાવ્યો છે. તેઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને તે લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો છે. આ ચૂંટણીઓમાં જે જુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આ લોકતાંત્રિક યાત્રાને આગળ વધારવી એ જમ્મુ-કાશ્મીરના લોકો પર નિર્ભર છે.
તેમણે કહ્યું હતું કે અમે નવાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. જમ્મુ અને કાશ્મીરમાં તથા હરિયાણા ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચાલી નથી. ઘટતી હિંસા અને વધતી વોટ ટકાવારી દર્શાવે છે કે શાંતિપૂર્ણ માહોલમાં વધુને વધુ લોકો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ચૂંટણી શિડયૂલ બાબતે ચૂંટણી પંચની નિષ્પક્ષતા તથા ઈવીએમ સાથે ચેડાં સહિતની અન્ય બાબતો અંગે વિપક્ષોની ટીકાઓના સંદર્ભમાં તેમણે 'કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હૈ કહેના ' એ ગીતની કડીઓ ઉચ્ચારી હતી.
તેમણે એક્ઝિટ પોલ્સ ખોટા પડી રહ્યા હોવા અંગે આત્મચિંતન કરવા જુદી જુદી એજન્સીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે સર્વે કરનારાઓએ જોવું જોઈએ કે તેમની સેમ્પલ સાઈઝ ખોટી હતી કે પછી બીજી કોઈ ભૂલ થઈ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મતગણતરી સવારે ૮.૩૦ વાગ્યે જ ચાલુ થાય છે પરંતુ તે પહેલાં આઠ વાગ્યાથી જ રિઝલ્ટના ખોટા ટ્રેન્ડ ઉતાવળે ટીવી પર આવવા માંડે છે. તે પણ અયોગ્ય છે. ક્યારેક એવું લાગે છે કે એક્ઝિટ પોલ્સના આધારે આવા ટ્રેન્ડ દર્શાવી દેવાય છે. જે ઘણીવાર ખોટા પણ પડે છે. તેમણે કહ્યું હતું કે અમે અમારી વેબસાઈટ પર ૯.૩૧ કલાકે પહેલો ટ્રૈન્ડ જારી કરીએ છીએ. કોઈ પત્રકાર કાઉન્ટિંગ સેન્ટર પર હોય તો પણ સવારના નવ વાગ્યાથી તે કેવી રીતે ટ્રેન્ડ મોકલવા માગે છે એ સવાલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પેજર હેક થાય તો ઈવીએમ કેમ નહિ તેવો પણ સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. પરંતુ પેજર કનેક્ટેટ હોય છે, ઈવીએમ ક્યાંય કોઈ રીતે કનેક્ટેડ હોતાં નથી.