કેમિકલ ફેકટરીને બોઈલરની પરવાનગી જ મળી ન હતી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
કેમિકલ ફેકટરીને બોઈલરની પરવાનગી જ મળી ન હતી 1 - image


દુર્ઘટના બાદ ભોપાળું બહાર આવ્યું 

સ્થાનિક રહેવાસીઓને અઠવાડિયામાં નુકસાન ભરપાઈ કરવામાં આવશે

મુંબઈ :  ડોમ્બિવલીની અમુદાન કેમિકલ કંપનીમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ એવી માહિતી બહાર આવી હતી કે આ કેમિકલ કંપનીને બોઈલરની પરવાનગી આપવામાં આવે નહોતી. આ મુજબની માહિતી શ્રમ વિભાગે એક નિવેદન  દ્વારા જેહાર કરી હતી.

અમુદાન કેમિકલ કંપની લાંબા સમયથી બંધ હતી. થોડા દિવસો પહેલાં જ તેમાં કામગીરી શરુ કરાઈ હતી. આ તબક્કે બોઈલર ચલાવવા માટે જરુરી મંજૂરીઓ લેવાઈ જ ન હતી. 

સરકારી મંજૂરી વિના જ બોઈલર ચલાવાતું હતું છતાં અત્યાર સુધી કોઈ એજન્સીને તેની જાણ કેમ ન થઈ તે અંગે અનેક સવાલો ઉઠયા છે. 

સરકારી મંજૂરીઓ નહિ હોવાથી ફેક્ટરીમાં સલામતી વિષયક આગોતરાં પગલાં લેવાયાં ન હતાં તે પણ સ્પષ્ટ થયું છે. 

 વિસ્ફોટમાં જખમી થયેલા લોકોની જવાબદારી લેવાની સાથે જ વિસ્ફોટને લીધે જે લોકોને નુકસાન થયું છે તે રહેવાસીઓની વિગતો મેળવી, પંચનામા કરી તેમને એક અઠવાડિયામાં નુકસાન ભરપાઈ કરવાના  નિર્દેશ રાજ્ય સરકારે આપ્યા છે. 

જાણે મોટો ભૂકંપ આવ્યો હોય તેવાં દૃશ્યો

વિસ્ફોટ બાદ કંપની પરિસરમાં વિશાળ ખાડો પડી ગયો,  લોખંડની બીમ નમી ગયાં

નજીકના સાંઈ મંદિરમાં  વિસ્ફોટની અસર વર્તાતાં ભક્તો સલામત સ્થળે ભાગ્યા

ડોમ્બિવલીની કેમિકલ કંપનીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા કંપની પરિસરમાં મસમોટો ખાડો પડી ગયો હતો. કંપનીમાં લોખંડના મોટા- મોટા બીમ વિસ્ફોટની તીવ્રતા અને આગની ભીષણતાને લીધે વાંકા વળી ગયા હતા.

પ્રચંડ વિસ્ફોટને લીધે ઉત્પન્ન થયેલા આંચકાઓના તરંગોને લીધે બાજુની ઘણી ફેકટરીઓ અને રહીશ ઈમારતો હચમચી ઉઠી હતી. અમુક કંપની અને ઈમારતોની છત ઉડી ગઈ હતી.

આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળ પાસેના એક સાંઈમંદિરમાં અમુક ધાર્મિક વિધિ ચાલી રહી હતી. વિસ્ફોટના આંચકાની આસર એટલી તીવ્ર હતી કે વિધિમાં ભાગ લઈ રહેલા ઘણા ભક્તો ધાર્મિક વિધિ પડતી મૂકી ભાગ્યા હતા અને સલામત સ્થળે શરણ મેળવ્યું હતું.



Google NewsGoogle News