થાણેની સીએની કાર ઓરિસ્સા પહોંચાડવાને નામે ઠગાઈ
- કાર સોંપ્યા પછી નંબર બંધ થઈ ગયો
- લોજિસ્ટિક કંપનીના સ્વાંગમાં ચાર ગઠિયાઓએ પૈસા પડાવી લીધા
મુંબઈ : થાણેના ૪૬ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે લોજિસ્ટિક્સ કંપનીના કર્મચારીના સ્વાંગમાં ચાર જણે રૂ. ૩૭,૯૬૪ની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ ઠગ ટોળકીએ સીએને તેમની કાર ઓરિસ્સામાં મોકલવાના બહાને જાળમાં ફસાવ્યા હતા, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પીડિત સીએએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ૨૦૧૧માં એક કાર ખરીદી હતી. આ કારનો વધુ ઉપયોગ કરતા ન હોવાથી તેને ઓડિસામાં મૂળ વતનમાં મોકલવા માગતા હતા. તેમણે વાહનોનું પરિવહન કરતી લોજિસ્ટિક્સ કંપનીઓ માટે ઓનલાઇન શોધખોળ કરી હતી. વેબસાઇટ પર એક કંપનીની માહિતી મેળવી અમુક વ્યક્તિ સાથે વાત કરી હતી. તેમણે કારના પરિવહન માટે ઓનલાઇન પૈસાની ચૂકવણી કરી હતી, એમ કાસરવડવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું.
આરોપીઓના ડ્રાઇવરને ગત આઠમી નવેમ્બરના ફરિયાદીએ કાર સોંપી હતી, પરંતુ બાદમાં સીએએ કારની સ્થિતિ વિશે ડ્રાઇવરને પૂછપરછ કરી ત્યારે તેણે યોગ્ય જવાબ આપ્યો નહોતો. ડ્રાઇવરે ફરિયાદીને કંપનીના લોકોનો સંપર્ક કરવા કહ્યું હતું.
બીજી તરફ ચાર આરોપીનો ફોન નંબર બંધ આવતો હતો. છેવટે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.