ભિંવંડીના પાલિકા અધિકારીઓનું પરાક્રમઃ પોલીસવાળા પાસે જ લાંચ માગી
મકાન ન તોડવા માટે ૧.૩૦ લાખ માગ્યા
આસિ. કમિશનર વતી લાંચનો પહેલો હપ્તો સ્વીકારતાં બીટ ઈન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયો
મુંબઈ - સામાન્ય રીતે પોલીસ ખાતું ભ્રષ્ટાચાર માટે બદનામ છે. પરંતુ, થાણે જિલ્લાના ભિવંડીની નિઝામપુર પાલિકાના અધિકારીઓએ એક પોલીસવાળા પાસેથી જ લાંચની માગણી કરી હતી. મકાન નહિ તોડવા માટે ૧.૩૦ લાખની લાંચ માગનારા આસિસ્ટન્ટ કમિશનર વતી લાંચનો પહેલો હપ્તો લેતો બીટ ઈન્સપેક્ટર રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
એસીબીએ શનિવારે છટકુ ગોઠવીને એક આરોપીને ભિવંડીના નિઝામપુર મહાપાલિકા કોર્પોરેશનના બીટ ઈન્સ્પેક્ટરને ફરિયાદી પાસેથી રુ. ૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.
એસીબીએ આ કેસમાં ૫૬ વર્ષીય આસિસ્ટન્ટ કમિશનર સુનિલ ભોઈર અને ૪૩ વર્ષીય ઈન્સ્પેક્ટર અમોલ વર્ગાડેની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી. એસીબીના જણાવ્યા મુજબ, બંને અધિકારીઓએ શરુઆતમાં ફરિયાદી પોલીક કર્મચારી પાસેથી ૧.૫ લાખની લાંચની માંગણી કરી હતી.
જેથી ભિવંડીમાં રહેલ ફરિયાદીનુમકાન તોડી ન શકાય. જો કે, ફરિયાદી આટલા વધુ રુપિયા આપી ન શકતો હોવાથી આખરે રકમ ઘટાડીને ૧.૩ લાખમાં કરવામાં આવી હતી. આ બાદ ફરિયાદીએ એસીબીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીએ વધુ તપાસ કરતા ભિવંડીના નિઝામપુર મહાપાલિકા કોર્પોરેશન પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી બીટ ઈન્સ્પેક્ટર આસીસ્ટન્ટ કમિશ્નર વતી રુ. ૫૦ હજારનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગે હાથ પકડાયો હતો.
એસીબીએ આ મામલમાં બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણની અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બંને પાલિકા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.