માત્ર સિગારેટના ઠુંઠાને આધારે હત્યાનો આરોપી ઝડપાઈ ગયો
ધારાવીમાં હત્યા બાદ નજીવી ભૂલ આરોપીને ભારે પડી
ઠુંઠા પર લાગેલી લાળનું ડીએનએ આરોપી સાથે મેચ થઈ જતા મહત્વનો પુરાવો હાંસલ થયો
મુંબઈ : મુંબઈના ધારાવી વિસ્તારમાં ૨૦૧૦માં હત્યાની એક ઘટના બની હતી. આ કેસમાં આરોપએ ધારાવી જંક્શન પર એક ટેમ્પોમાં મોહમ્મદ શેખ નામના એક વ્યક્તિની ગળું કાપી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોલીસે આ હત્યા પ્રકરણે શેખ સાથે કામ કરતા અકબર ખાનની ધરપકડ કરી હતી. જોકે આ પ્રકરણમાં પોલીસને ખાનના વિરોધમાં કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસે આ કેસની સઘન તપાસ હાથ ધરી તે દરમિયાન આરોપીએ ઘટના સ્થળે છોડેલ એક સિગારેટનું ઠુંઠુ મળી આવ્યું હતું. તેના પર મળેલા લાળના ડીએનએના આધારે આ કેસનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
સિગારેટના ઠુંઠાની મદદથી પોલીસે આરોપી ખાનને પકડી પાડયો હતો. ફોરેન્સિક લેબમાં આ ઠુંઠાને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. આ ઠુંઠા પર મળેલ લાળના સેમ્પલનું ડીએનએ અને આરોપી ખાનનું ડીએનએ મેળ ખાઈ જતા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે સિગારેટનું એક ઠુંઠુ પોલીસને આરોપી ભણી દોરી ગયું હતું.
૧૧ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ધારાવી જંક્શન પર એક ટેમ્પોમાં મોહમ્મદ શેખનો મૃતદેહ ગળું કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાના પાંચ દિવસ પછી શાહુનગર પોલીસે હત્યા પ્રકરણે શેખ સાથે કામ કરતા અકબર ખાનની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર ખાને શેખ સાથે મળી એક ટેમ્પો ખરીદ્યો હતો. હત્યાની ઘટના પહેલા મૃતક અને આરોપી વચ્ચે સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બન્નેએ ટેમ્પોમાં બેસી ડીનર કર્યું હતું. ત્યાર બાદ શેખે ફરીથી ખાનના શારીરિક શોષણનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ખાને આવેશમાં આવી કથિત રીતે તેનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે પોલીસને ટેમ્પોમાં શેખનો મૃતદેહ મળી આવ્યો હતો. શાહુનગર પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તરત ઘટના સ્થળે દોડી જઈ પંચનામું હાથ ધરી ત્યાં જે પુરાવા મળ્યા તેને ભેગા કર્યા હતા. પોલીસે ત્યાર બાદ ફોરેન્સિક એક્સપર્ટોને પણ બોલાવી લીધા હતા. પોલીસને અહીંથી એક સિગારેટનું ઠુંઠુ પણ મળી આવ્યું હતું. ફોરેન્સિક એક્સપર્ટોએ સિગારેટના ઠુંઠા પર મળેલ લાળના ડીએનએ સેમ્પલ મેળવ્યા હતા. ત્યાર બાદ વધુ ટેસ્ટમાં ઠુંઠા પરના ડીએનએ સેમ્પલ અને આરોપી ખાનના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા હતા. પોલીસ સૂત્રોનુસાર આરોપીએ ક્યારે સપનમાં પણ વિચાર્યું નહીં હોય કે સિગારેટના ઠુંઠાને આધારે પોલીસ તેને પકડી લેશે. હવે પોલીસ ક્રાઇમ સીનને સિક્રિએટ કરી વધુ તપાસ હાથ ધરશે.