Get The App

જંગલમાં રેવ પાર્ટી! મહારાષ્ટ્રના ખુલ્લેઆમ ડ્રગ અને દારૂપાર્ટી કરતા 100 યુવક-યુવતી ઝડપાયા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
જંગલમાં રેવ પાર્ટી! મહારાષ્ટ્રના ખુલ્લેઆમ ડ્રગ અને દારૂપાર્ટી કરતા 100 યુવક-યુવતી ઝડપાયા 1 - image

Maharashtra Rave Party : મહારાષ્ટ્રના થાણે પોલીસે એક જગંલમાં દરોડા પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અને દારૂ સાથે જંગલમાં ખુલ્લેઆમ ચાલી રહેલી પાર્ટીમાં 100 યુવકોને ઝડપી પડાયા છે. પોલીસે આ માહિતી રવિવારે આપી છે.

થાણે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ઘોડબંદર રોડ પર કાસારવડવલી ગામની પાસે મૈંગ્રોવના જંગલામાં રેવ પાર્ટી ચાલી રહી છે. રાત્રે અંદાજિત બે વાગ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસની ટીમે પાર્ટી પર દરોડા પાડ્યા. ત્યાં ડીજેના તાલે અને બ્લૂ લાઈટિંગ વચ્ચે અનેક યુવક અને યુવતીઓ નાચગાન કરી રહ્યા હતા. એક તરફ દારૂ પિરસાઈ રહ્યો હતો, તો બીજી તરફ કેટલાક યુવાનો પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા નજરે પડી રહ્યા હતા. પોલીસે મોડું કર્યા વિના જ આ પાર્ટી પર દરોડા પાડી દીધા. પોલીસને જોતા જ પાર્ટીમાં અફરા-તફરી મચી ગઈ. યુવક-યુવતીઓ આમતેમ ભાગવા લાગ્યા. જંગલમાં કોઈ ઝાડ, તો કોઈ ઝાડીઓ પાછળ છૂપાવા લાગ્યા. પરંતુ પોલીસે કોઈને ન છોડ્યા. એક-એક કરીને 100થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરાઈ. આ પાર્ટીનું આયોજન કરનારા બે યુવકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ઉંમર 19 અને બીજાની ઉંમર 23 વર્ષ છે. બંને કલાવા અને ડોંબિવલીના રહેવાસી છે. પોલીસે અહીંથી 29 ટુવ્હીલર વાહનો પણ જપ્ત કર્યા છે. 

એલએસડી, ચરસ, ગાંજા અને દારૂનું સેવન

રેવ પાર્ટીથી અટકાયત કરાયેલા તમામ લોકોને થાણેની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લવાયા હતા. પોલીસના અનુસાર, પાર્ટી સ્થળેથી 0.41 ગ્રામ એલએસડી, 70 ગ્રામ ચરસ, ગાંજાની સાથે ચિલમ, દારૂ, બીયર જેવા નશીલા પદાર્થ પણ જપ્ત કર્યા છે. પાર્ટીનું આયોજન કરનારાની ઓળખ તેજસ અનિલ કુબલ અને સુજલ મહાદેવ મહાજન તરીકે થઈ છે. આ લોકો છેલ્લા પાંચ દિવસોથી ઈન્સ્ટાગ્રામ દ્વારા પાર્ટી માટે લોકોને આમંત્રિત કરી રહ્યા હતા. ઈચ્છુક લોકો પાસે ઓનલાઈન પેમેન્ટ લીધા બાદ તેમના મોબાઈલ નંબર આપી રહ્યા હતા.

ગુપ્ત માહિતી પર પોલીસના દરોડા

થાણે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શિવરાજ પાટીલે જણાવ્યું કે, પોલીસને મળેલી એક ગુપ્ત માહિતી અનુસાર, આધાર પર ACPના નેતૃત્વમાં યૂનિટ 5 અને 2ને વડવલી ખાડી કિનારા પર થઈ રહેલી એક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા. આ દરમિયાન અહીં પર 90 પુરૂષ અને 5 મહિલાઓ નશીલા પદાર્થનું સેવન કરતા નજરે પડ્યા. તમામ લોકો નશાની હાલતમાં ડીજેની ધુન પર નાચી રહ્યા હતા. પોલીસે તમામને કસ્ટડીમાં લઈ લીધા છે. ત્યાંથી મોટી સંખ્યામાં નશાનો સામાન જપ્ત કરાયો છે. કેટલાક ટુવ્હીલર વાહન પણ મળ્યા છે. બધુ જપ્ત કરી લેવાયું છે.

ઈન્સ્ટાગ્રામ પર રેવ પાર્ટીનું ઈનવિટેશન

થાણે ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાક દિવસોથી આ રીતે પાર્ટીને આયોજિત કરનારા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી હતી. પાર્ટીના આયોજક એટલા શાતિર હતા કે, ઈન્સ્ટાગ્રામ પર તેમના ઈનવિટેશન નજરે આવતા હતા, પરંતુ પાર્ટીં ક્યાં થશે, તેની કોઈ માહિતી નહોતી. આ પાર્ટીમાં સામેલ થવા માટે જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું, તેને પાર્ટીવાળા દિવસ અંદાજિત ચાર કલાક પહેલા તેમના મોબાઈલ પર લોકેશન મોકલવામાં આવ્યા હતા. પરંતુ પોલીસને તેના બાતમીદારોએ આ પાર્ટી માહિતી આપી હતી.


Google NewsGoogle News