થાણેના વૃદ્ધે શેર ટ્રેડિંગ સ્કેમમાં 73 લાખ રુપિયા ગુમાવી દીધા
બે વ્યક્તિ અને એક કંપની વિરુદ્ધ ગુનો નોંધાયો
સાયબર ગેંગે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરી ઉચ્ચ વળતરની લાલચ આપી
મુંબઇ - મુંબઇના ૭૦ વર્ષીય વૃદ્ધને ફેક શેર ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને રૃા.૭૨.૯૮ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ગેંગની બે વ્યક્તિ અને એક કંપની વિરૃદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
મુંબઇના વૃદ્ધ ગત પાંચ મહિનાથી થાણેમા ં તેમના ભાઇના ઘરે રહેતા હતા. આ સમયગાળા દરમિયાન આરોપીએ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમનો સંપર્ક કર્યોહતો. સાયબર ઠગે તેમને શેર ટ્રેડિંગમાં રોકાણ પર ઉંચા વળતરની ઓફર આપી હતી.
આમ તેમની વાત પર વિશ્વાસ કરીને સિનિયર સીટીઝને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. પરંતુ લાખો રૃપિયાના રોકાણ કરવા છતાં વૃદ્ધને વળતરની રકમ મળી નહોતી. આ ઉપરાંત રોકાણ કરેલા પૈસા પાછા ન મળતા તેમણે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટોળકીએ તેમની ફોન કે મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આથી વૃદ્ધને શંકા ગઇ હતી.
છેવટે તેમણે કાસરવડવલી પોલીસના સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી બે વ્યક્તિ અને એક કંપની સામે ગુનો દાખલ કરી તેમને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.