થાણે મહાપાલિકાની મહિલા સફાઈ કર્મીનો દીકરો યુપીએસસીમાં ઝળક્યો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
થાણે મહાપાલિકાની મહિલા સફાઈ કર્મીનો દીકરો યુપીએસસીમાં ઝળક્યો 1 - image


સતત 8 પ્રયાસમાં નાપાસ થયા બાદ નવમા પ્રયાસે મહેનત વરી

યુપીએસસીના અભ્યાસ સાથે દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં પેપર તપાસવાનું કામ હાથમાં લઈ અભ્યાસ અને રોજીરોટી બંને મેળવ્યાં 

મુંબઈ :  તાજેતરમાં જ યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૮૭થી વધુ ઉમેદવારોએ  સફળતા મેળવી છે. જેમાં થાણેના ૩૨ વર્ષીય પ્રશાંત સુરેશ ભોજાણે પણ એક છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)માં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત મહિલાના આ દીકરાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)માં સફળતા મેળવી પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી માતા-પિતાને પણ ગર્વ અપાવ્યું છે. 

મંગળવારે જાહેર થયેલ યુપીએસસીના રીઝલ્ટમાં પ્રશાંતે ૮૪૯મો ક્રમાંક મેળવ્યો છે. પ્રશાંતે આ પરીક્ષા પાસ કરવાનું સ્વપ્ન ૨૦૧૫માં જોયું હતું અને ત્યારથી સતત પરીક્ષા આપી મહેનત કરી રહ્યો હતો. છેવટે નવમા પ્રયાસે પ્રશાંતને સફળતા મળી છે. તેની માતા ટીએમસીમાં સ્વીપર તો પિતા પાલિકામાં ચતુર્થ શ્રેણીના કર્મચારી તરીકે કાર્યરત છે. તેણે એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ તેમાં નોકરી કરવાને બદલે તેને આઈએએસ અધિકારી બનવામાં રસ હતો. જેથી તેણે યુપીએસસી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

મીડિયા  સાથે  વાત કરતાં પ્રશાંતે કહ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષા આપતાંની સાથે જ તેણે ૨૦૨૦માં દિલ્હીમાં એક સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સેન્ટરમાં કામ કરવું શરુ કર્યું હતું. જ્યાં તે વિદ્યાર્થીઓની મૉક ટેસ્ટના પેપર તપાસતો. આ રીતે તે અભ્યાસની સાથે સાથે આજીવિકા પણ રળતો થયો. તેના માતા-પિતા તેને વારંવાર પરીક્ષા બંધ કરી ઘરે પાછો આવી જવા કહેતાં. પરંતુ તેને વિશ્વાસ હતો કે તે પાસ થઈને રહેશે. આથી તેણે તેની જીદ્દ મૂકી નહોતી. જોકે તેણે પોતે પણ કબૂલ્યું કે તે પરીક્ષા આપતો તે દરમ્યાન તેના માતા-પિતાએ મૂંગે મોંએ ઘણું સહન કર્યું છે.

પ્રશાંતના પિતા પણ તેની આ સિદ્ધિથી સંતોષ પામ્યા છે અને તેમણે આ સંદર્ભે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, પહેલાં મને એવું હતું કે મારો દીકરો નોકરી કરે પરંતુ હવે લાગે છે કે એણે જે નિર્ણય કર્યો તે એકદમ યોગ્ય હતો. શ્રમિક જનતા સંઘ યુનિયનમાં પણ લોકો ખૂબ જ આનંદિત છે અને તેમનું માનવું છે કે, આ દ્વારા એક વાત ચોક્કસ સાબિત થઈ છે કે, શ્રમિકોના બાળકોને ક્યારેય ઓછાં આંકવા નહીં. આજે પ્રશાંત એ અમારા સૌનું ગૌરવ બની ગયો છે.



Google NewsGoogle News