લગ્નની લાલચે બળાત્કારના કેસમાં થાણેના ડોક્ટરને જામીન નકારાયા
કોર્ટે આગોતરા જામીન નકરાતાં સાત મેએ ધરપકડ થઈ હતી
લગ્નની ખોટી લાલચ ઉપરાંત અંગત તસવીરો અને વીડિયો જાહેર કરવાની ધમકીને વશ થઈ મહિલાએ સંમતિ આપી હોવાની કોર્ટની નોંધ
મુંબઈ : લગ્નની લાલચે મહિલા પર કથિત બળાત્કાર કરવાના કેસમાં પકડાયેલા થાણેના ડોક્ટરની જામીન અરજી કોર્ટે નકારી કાઢી છે. થાણેના ૩૨ વર્ષના ડોક્ટરને કોર્ટે જામીન નકારીને જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલુ હોવાથી તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે.
એડિશનલ સેશન્સ જજ પ્રેમલ વિઠલાણીએ થાણે ડોક્ટરના જામીન નકારતાં જણાવ્યું હતું કે કેસની તપાસ અને ગુનાની ગંભીરતાને ેમ જ હકીકતને ધ્યાનમાં રાખતાં જામીન આપી શકાય નહીં.જજે વધુમાં જણાવ્યું હતું કે દરેક જામીન અરજી કેસની વિગત અને સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કરાતી હોય છે. જામીન અરજી સ્વીકારવા કે નકારવાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી.
ડોક્ટર અને ૨૭ વર્ષીય મહિલા ૨૦૧૭માં મિત્ર બન્યા હતા અને ડોક્ટરે તેને ૨૦૨૦માં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચાલુ વર્ષના પ્રારંભમાં મહિલાએ પોલીસમાં કેસ નોંધાવીને બળાત્કાર અને ધમકીનો આરોપ કર્યો હતો. ૨૪ એપ્રિલે ડોક્ટરની આગોતરા જામીન અરજી નકારાતાં કરતાં પોલીસે ડોક્ટરની સાત મેના રોજ ધરપકડ કરી હતી.
મોબાઈલ ફોન અને આડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા કોર્ટે ધ્યાનમાં લીધા હતા. કેસની હકીકતને ધ્યાનમાં લેતાં આરોપી જામીનને પાત્ર છે કે નહીં એ નક્કી કરવાનું હતું. ફરિયાદીએ શારીરિક સંબંધ માટે સંમતિ આપી હોવાની વાતમાં શંકા નથી. ઘણી તસવીરો પણ રજૂ કરાઈ હતી. જોકે આરોપ કરાયો હતો કે આરોપીએ લગ્નનું ખોટું વચન આપીને અંગત તસવીરો અને વિડિયો જાહેર કરવાની ધમકીને વશ થઈને સંમતિ આપી હતી. કાયદા અનુસાર આવી સંમતિ યોગ્ય ગણી શકાય નહીં.