Get The App

પુણેમાં ટેમ્પોએ અનેક વાહનોને અડફેટમાં લીધાઃ 1નું મોત, 3 ઘાયલ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પુણેમાં ટેમ્પોએ અનેક વાહનોને અડફેટમાં લીધાઃ 1નું મોત, 3 ઘાયલ 1 - image


પુણેમાં ફરી દારૃના નશામાં રેશ ડ્રાઈવિંગની ઘટના

મનસેના પદાધિકારીની પત્નીએ જીવ ગુમાવ્યોઃ લોકોએ ડ્રાઈવરોને ઢીબેડી નાખ્યો

મુંબઈ :  પુણેમાં ફરી નશામાં ધૂત હાલતમાં વાહન હંકારીને અકસ્માત કરવાની ઘટના બની છે. દારૃ પીધેલા ટેમ્પો ડ્રાઈવરે આશરે પાંચ વાહનને અડફેટમાં લીધા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પદાધિકારીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જ્યારે આ પદાધિકારી સહિત ત્રણને ગંભીર ઈજા થઈ હતી. લોકોએ ડ્રાઈવરની મારપીટ કરી પોલીસના તાબામાં સોંપી દીધો હતો.

પુણેના કોથરુડ વિસ્તારના પૌડ રોડ પર ગઈકાલે રાતે ૯.૧૫ વાગ્યે આ બનાવ બન્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આરોપી ડ્રાઈવર આશિષ પવાર (ઉં.વ.૨૬)ની ભારતીય  ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એકટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પવાર દારૃના નશામાં બેફામપણે ટેમ્પો દોડાવીને જઈ રહ્યો હતો. તેણે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ટેમ્પોએ બે બાઈક સહિત પાંચ વાહનને ટક્કર મારી હતી.

બીજી તરફ મનસેના પદાધિકારી શ્રીકાંત અમીરાળે તેમની પત્ની ગીતાંજલી સાથે સિગ્નલ પાસે ઉભા હતા. ત્યારે ટેમ્પોએ આ દંપતીને અડફેટમાં લીધા હતા. આ ઉપરાંત માધુરી દાહોત્રે અને અન્ય એક વ્યક્તિ સાથે પણ ટેમ્પોની અથડામણ થઈ હતી.

આ બનાવથી રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવર પવારને પકડીને માર માર્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ઈજાગ્રસ્ત ચાર જણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગીતાંજલીનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં પુણેમાં દારૃના નશામાં વાહન ચલાવી અકસ્માત કરવાની જુદી જુદી ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે.



Google NewsGoogle News