ઘાટકોપરમાં ટેમ્પોએ 5 લોકોને કચડયાઃ ગુજરાતી મહિલાનું મોત
કુર્લાના બેસ્ટ અકસ્માત જેમ સાંકડા રસ્તા પર ભીડ વચ્ચે ચાલકે કન્ટ્રોલ ગુમાવ્યો
શાક માર્કેટમાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટનાથી ચીસાચીસઃ પાંચ લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયાઃ લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપી દીધોઃ દારુ પીને ટેમ્પો ચલાવતો હોવાનો આરોપ
મુંબઈ - કુર્લામાં બેકાબુ બેસ્ટ બસ દ્વારા ૪૦થી વધુ લોકોને અડફેટે લેવાની દુર્ઘટનાને હજુ ત્રણ સપ્તાહ પણ પૂર્ણ નથી થયાં ત્યાં તેવી જ ઘટનાની નાની પુનરાવૃત્તિ રુપે ઘાટકોપર વેસ્ટના ચિરાગનગરમાં આજે સાંજે ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતાં ટેમ્પો પાંચથી છ લોકો પર ધસી ગયો હતો. આ અકસ્માતમાં ઘાટકોપરના પારસીવાડી ખાતે રહેતી ૩૫ વર્ષીય મહિલા પ્રીતિ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ ચારેક લોકોને રાજાવાડી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મચ્છી માર્કેટ રોડ પર આઝાદ મસાલા શોપ પાસે શાક બજાર તથા મચ્છી બજાર ધરાવતા સાંકડા રસ્તા પર લોકો ઉમટયા હતા ત્યારે અચાનક જ ટેમ્પો ધસી આવ્યો હતો. આ ટેમ્પાએ પાંચલોકોને અડફેટે લીધા હતા. તેમાંથી ચાર તો મહિલાઓ હતી. તેમાંથી પારસીવાડીનાં રહીશ ૩૫ વર્ષીય પ્રીતિ રીતેશ પટેલનું અતિશય ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અન્ય મહિલાઓ તથા બે પુરુષને ગંભીર ઈજાઓ સાથે નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘાયલોમાં ૨૩ વર્ષીય રેશ્મા શેખ, ૨૭ વર્ષીય મારુફા શેખ, ૨૮ વર્ષીય મહેરાન અલી શેખ તથા ૨૮ વર્ષીય તોફા શેખ અને ૨૩ વર્ષીય અરબાઝ શેખનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર તૌફા શેખને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. મોટાભાગના ઈજાગ્રસ્તોને છાતી તથા પગ સહિતના ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાવાયુ ંહતું.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ પચ્ચીસ વર્ષીય ટેમ્પો ચાલક ઉત્તમ બબ્બન ખરાતને પકડી લીધો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિક લોકોના દાવા મુજબ ટેમ્પો ચાલક નશાની હાલતમાં ચલાવી રહ્યો હતો. જોકે, પોલીસે આ દાવાનું તત્કાળ સમર્થન કર્યું નથી.
આ ટેમ્પો પાણીની બોટલો લઈને જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમી સાંજના સમયે શાકભાજી લેવા નીકળેલા લોકો તથા અન્યોને કારણે રસ્તા પર ભારે ભીડ હતી. તેવામાં ટેમ્પાએ અચાનક લોકોને અડફેટે લેતાં ભાગદોડ મચી જવા સાથે સમગ્ર વાતાવરણ ચીચીયારીઓથી ગાજી ઉઠયું હતું.