ભીમા કોરેગાંવ કેસમાંથી મુક્તિ માટે તેલતુંબડેની હાઈકોર્ટમાં અરજી
ભડકાઉ ભાષણ કરીને હિંસાને પ્રોત્સાહન અપાવાનો કેસ
ન્યા.કોતવાલે જોકે અગાઉ આ કેસમાં અનેક આરોપીઓની જામીન અરજી હાથ ધરી ચૂક્યા હોવથી સુનાવણીથી અળગા રહેવાનું પસંદ કર્યું
મુંબઈ - ૨૦૧૮માં થયેલી ભીમા કોરેગાંવ હિંસામાં કથિત સહભાગ બદલ પોતાની સામે નોંધાયેલા કેસને બંધ કરવાની દાદ સાથે દલિત ચળવળકર્તા આનંદ તેલતુંબડેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. જોકે ન્યા. સારંગ કોતવાલે અપીલનીસુનાવણી કરવાથી અળગા રહેવાનું પસંદ કર્યુંહતું. ન્યા. કોતવાલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભીમા કોરેગાંવ કેસના અનેક આરોપીઓની જામીન અરજી પર નિર્ણયો આપ્યા છે.આથી મારા મતે મારે આ અરજીની સુનાવણી કરવી જોઈએ નહીં.
વિશેષ એનઆઈએ કોર્ટે મે ૨૦૨૪માં કેસમાંથી મુક્તિની અરજી ફગાવી હતી. તેલતુંબડેએ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ન્યા. સારંગ કોટવાલ અને ન્યા. મોડકની બેન્ચ સમક્ષ ગુરુવારે સુનાવણી થઈ ત્યારે ન્યા. કોટવાલે સુનાવણીથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું. ન્યા. કોતવાલ તેલતુંબડે અને અન્ય ૧૬ આરોપી સામેનો કેદ રદ કરવાનો ઈનકાર કરનારી બેન્ચના સભ્ય હતા.
પહેલી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કથિત ભડકાઉ ભાષણ કરીને હિંસાને પ્રોત્સાહન આપતા ડિસેમ્બર એલ્ગાર પરિષદના કન્વિનરમાં તેલતુંબડેનું પણ નામ હોવાનો આરોપ છે. હાલ તેઓ આ કેસમાં જામીન પર છે. વિશેષ કોર્ટે જુલાઈ ૨૦૨૧માં જામીન નકાર્યા હતા અને નોંધ કરી હતી કે તેઓ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના સભ્ય છે, જોકે હાઈકોર્ટે નવેમ્બર ૨૦૨૨માં જામીન આપ્યા હતા અને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી હતી.