મરાઠા આરક્ષણ માટે ટીનએજરનું અગ્નિસ્નાન
અનામત માટે આત્મહત્યાનો સિલસિલો ચાલુ
જાલનાના અંબડમાં દીકરાને બચાવવા જતા માતા પણ ગંભીર રીતે દાઝી
મુંબઇ : મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપતી નથી, એવું કહીને જાલના જિલ્લાના ૧૮ વર્ષના તરુણે શરીરે આગ ચાંપી હતી. ભડકે બળતા દીકરાને બચાવવા જતા માતા પણ સખત રીતે દાઝી ગી હતી. બન્નેને ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાલના જિલ્લાના અંબડ તાલુકામાં રહેતો તરુણ સૂરજ જાધવ છેલ્લા ત્રમ મહિનાથી મરાઠા આરક્ષણ આંદોલનમાં ભાગ લઈ રહ્યો છે. દસમા ધોરણમાં ૭૪ ટકા સાથે પાસ થયેલા સૂરજને સરકારી આઇટીઆઇમાં એડમિશન નહોતું મળ્યું. એટલે ખાનગી આઇટીઆઇમાં પ્રવેશ તો મેળવ્યો પણ ફી ચૂકવી શકવાની સ્થિતિ ન હોવાથી હતાશ થઈ ગયો હતો. આરક્ષણની માગણી ઉકેલાઈ હોત તો તેને સરકારી શિક્ષણ સંસ્થામાં એડમિશન મળી ગયું હોત. આમ નારાજ થયેલા તરુણો બળી મરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ આરક્ષણ મામલે આત્મહત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. લાતુર જિલ્લાના નિલંગા તાલુકામાં ચોવીસ વર્ષના કોમર્સ ગ્રેજ્યુએટ યુવકે આરક્ષણની માગણી માટે ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.