સગીરાનો મોર્ફડ વીડિયો બનાવી શરીર સુખની માગણી કિશોર પકડાયો
સોશિયલ મીડિયામાં રીલ બનાવતી કિશોરીનું બ્લેક મેઇલિંગ
તલોજા પોલીસે આરોપી સગીર સામે ગુનો નોંધ્યો
મુંબઇ : નવી મુંબઇના તળોજા વિસ્તારમાં રહેતી અને સોશિયલ મીડિયામાં રીલ બનાવતી એક ૧૬ વર્ષની સગીરાનો મોર્ફડ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી તેના પાસે શરીર સુખની માગણી કરનાર એક સગીર ટીનેજર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
ગીરાએ આ બાબતે તળોજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પરિણામે સગીરોમાં વિકસી રહેલ અપરાધી પ્રવૃત્તિઓ સામે આવી છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવી મુંબઇના તળોજા વિસ્તારમાં ફરિયાદી સગીરા સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું કામ કરે છે. આ સગીરાને છેલ્લા થોડા વખતથી એક પરિચીત સગીર ટીનેજર સતત હેરાન કરતો હતો. આ સગીર ટીનેજરે સગીરાનો એક મોર્ફડ વીડિયો બનાવ્યો હતો જે સગીરાને મોકલી તેના પાસે શરીર સુખની માગણી કરતો હતો અને જો સગીરા તેની માગણી પૂરી નહી કરે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર બાયરલ કરવાની ધમકી આપતો હતો.
સગીરાએ શરૃઆતમાં આ બાબતે વધુ ધ્યાન આપ્યું નહોતું પણ ગત શુક્રવારે ટીનેજરે ફરીથી આ વીડિયો સગીરાને મોકલી તેણે માગણી દોહરાવી હતી. આ વખતે સગીરાએ આ વાતને ગંભીરતાથી લઇ તળોજા પોલીસ મથકમાં ધસી જઇ ફરિયાદ કરતા તળોજી પોલીસે આઇપીસીની કલમ ૩૫૪ ડી (સ્ટોકિંગ) ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) અને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.