સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણ બદલ શિક્ષકને 5 વર્ષની કેદ
ગોવંડીની સ્કૂલના 28 વર્ષના ક્લાસ ટીચરનું દુષ્કૃત્ય
શિક્ષક બાળકોનું રક્ષણ કરે તેવી અપેક્ષા હોય છે તેવી કોર્ટની ટિપ્પણી : જોકે, આરોપીનો ગુનાહિત રેકોર્ડ ન હોવાથી લઘુતમ સજા ફટકારાઈ
મુંબઈ : સગીર વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવા બદલ વિશેષ કોર્ટે ૨૮ વર્ષના સ્કૂલટીચરને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
શિક્ષકો બાળકોનું રક્ષણ કરે એવી અપેક્ષા હોય છે પણ આવું દુષ્કૃત્ય આચરીને આરોપીએ પીડિતાઓ પર આજીવન માનસિક અને ભાવનાત્મક આઘાત પમાડયો છે, એમ વિશેષ જજ સીમા જાધવે આદેશમાં નોંધ કરી હતી.
ગોવંડીની સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા આરોપીને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો) કાયદા હેઠળ કસૂરવાર ઠેરવાયો હતો.
આરોપીએ ૧૨ વર્ષથી ઓછી વયની તેના ક્લાસની ત્રણ વિદ્યાર્થિનીઓનું તેણે જાતીય શોષણ કર્યાનો આરોપ છે. બુધવારે ઉપલબ્ધ વિગતવાર આદેશમાં કોર્ટે જણાવ્યું હતુંં કે આરોપી સામાન્ય માણસ નથી પણ શિક્ષક છે અને તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોવાની પણ કોર્ટે નોંધ કરી હતી.
કેસની હકીકતને ધ્યાનમાં રાખીને પોક્સો કાયદાની સંબંધીત જોગવાઈઓ હેઠળ લઘુતમ સજા કરવાથી ન્યાય કર્યો ગણાશે આથી તેને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવે છે.
સપ્ટેમ્બર ૨૦૧૯માં પીડિતામાંની એકની માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસાર ત્રણ પીડિતાઓ પાંચમા ધોરણમાં ભણતી હતી અને આરોપી તેમનો ક્લાસ ટીચર હતો. શિક્ષક તેમને વારંવાર અયોગ્ય રીત ેસ્પર્શ કરતો હોવાનો આરોપ કર્યો હતો. આ વાતમાં અવિશ્વાસ કરવા જેવું કંઈ નથી કેમ કે અન્ય સાક્ષીદારોએ પણ આ જ વાત કહેલી છે.
અન્ય શિક્ષકના કહેવાથી પોતાને ખોટી રીતે સંડોવ્યો હોવાના બચાવના સમર્થનમાં આરોપી કોઈ પુરાવો રજૂ કરી શક્યો નહોવાની કોર્ટે નોંધ કરી હતી. બંને પક્ષની બાજુ સાંભળ્યા બાદ સરકારી પક્ષે નિશંકપણે કેસ પુરવાર કર્યો છે અને આરોપીએ સંભોગ સિવાયની જાતીય ચષ્ટા કરી છે, એમ કોર્ટે નોંધ કરી હતી.