વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં શિક્ષકનું હાર્ટએટેકથી મૃત્યુ
માત્ર ૪૭ વર્ષની વયે જીવલેણ હાર્ટ એટેક
મનોરની શાળામાં વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે જ પોડિયમ સાથે જમીન પર પટકાયા
મુંબઇ - પાલઘરની એક સ્કૂલમાં દસમા ધોરણના સેન્ડ ઓફ કાર્યક્રમમાં એક શિક્ષકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થતા આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાઇ ગયો હતો. અચાનક હાર્ટએટેકને લીધે મૃત્યુ પામેલા ૪૭ વર્ષીય શિક્ષક સંજય લોહાર વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમના આ રીતે થયેલી અચાનક વિદાયથી શાળામાં કામ કરતા અન્ય શિક્ષકો પણ દિગ્મુઢ બની ગયા હતા.
અ ા સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પાલઘર જિલ્લાના મનોરની લાલ બહાદુર શાસ્ત્રી હાઇસ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ મંગળવારે બપોરે યોજવામાં આવ્યો હતો. આ સમયે શિક્ષકો વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાની સાથે સંબોધન પણ કરી રહ્યા હતા.
આ સમયે સંજય લોહારે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી અને તેઓ પોડિયમ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ સંતુલન ગુમાવી પોડિયમ સાથે જમીન પર પટકાયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. તરત જ સંજય લોહારને પાસેની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ લોહારને તપાસી મૃત જાહેર કર્યા હતા.