Get The App

રુ.8ની ચા, 15માં શીરો , 10નું વડાપાંવઃ ચૂંટણી પંચના ભાવથી નેતાઓ મૂંઝાયા

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
રુ.8ની ચા, 15માં શીરો , 10નું  વડાપાંવઃ ચૂંટણી પંચના ભાવથી નેતાઓ  મૂંઝાયા 1 - image


ચૂંટણી પંચે ખર્ચ ગણવા જાહેર કરેલા ૨૫૨ ચીજોના ભાવમાં સોંઘવારી

ચૂંટણી પંચે નક્કી કરેલ ભાવથી વધુ ખર્ચ કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી થશે;ખર્ચાઓમાંથી કટકી ઈચ્છતા કાર્યકરોએ માથું ખંજવાળ્યું

મુંબઈ :  ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં અને ચકાસણી પણ થઈ ગઈ તે પછી માન્ય ઠરેલા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ગણવાનું ચૂંટણી પંચે શરુ કરી દીધું છે. ચૂંટણી પંચે ખર્ચની ગણતરી માટે ઉમેદવારો દરેક ચીજ કે સેવાના જણાવે તે ભાવ નહિ પણ પોતાના આગવા ભાવ નક્કી કર્યા છે.  આવી ૨૫૨ ચીજોના ભાવમાં કેટલાક તો બજારભાવ કરતાં ઓછા દર્શાવાયા હોવાથી ઉમેદવારો મૂંઝાયા છે. જેમ કે સામાન્ય રીતે વડાપાંવ ૧૫ રુપિયા કે ૧૮ રુપિયામાં મળે છે પરંતુ ચૂંટણી પંચે વડાં પાંવનો ભાવ ૧૦ રુપિયા નક્કી કર્યો છે. પંચે નક્કી કરેલા ભાવોને કારણે નાસ્તા, ખુરશી કે અન્ય ચીજોમાંથી કટકી કાઢવાનો પાંચ વર્ષે આવેલો અવસર ઝડપવા તલપાપડ કાર્યકરો પણ માથું ખંજવાળી રહ્યા છે. 

ઈલેક્શન કમિશને ચા માટે ૮ રુપિયા, કોફીના ૧૨ રુપિયા, બિસ્કીટ પેકેટના ૧૦ રુપિયા, ઠંડા પાણીના  ૨૦ રુપિયા, કોકમ શરબત, લસ્સી, પૌંવા, શિરા, સમોસાના પ્રત્યેકે ૧૫, વડાપાવના ૧૦ રુપિયા, ઈડલીના ૨૫ રુપિયા, મિસળના ૪૯ રુપિયા, શાકાહારી ભોજનના ૭૦ અને માંસાહારી ભોજનના ૧૨૦ રુપિયા એમ ૨૫૨ પદાર્થોના દરની સૂચિ જાહેર કરી છે. 

રાજ્યમાં દિવાળી સાથે જ ચૂંટણીની પણ જોરદાર તૈયારીઓ ચાલુ છે. દરેક ઉમેદવાર, કાર્યકર્તા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતાં દેખાશે. તેને પગલે અત્યારે ખાનગી વાહનો પૂરા પાડતા કોન્ટ્રાક્ટરો પાસે વાહનોની માગણી વધી છે. પરંતુ કમિશને નક્કી કરી આપેલ ભાવ મુજબ વાહનો પર ખર્ચ કરવો પડશે. આ સમયે દરેક વિરોધી ઉમેદવાર એકબીજા પર નજર રાખીને બેઠા હશે અને વિરોધી ઉમેદવારને અટકાવવા માટે તેના ખર્ચનો નાનામાં નાનો હિસાબ રાખશે. 

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારને ૪૦ લાખ રુપિયા સુધીના ખર્ચની મંજૂરી આપી છે. પહેલાં આ મર્યાદા ૨૮ લાખની હતી. તેમજ દરપત્રકથી વધુનો ખર્ચ કરી આચારસંહિતાનો ભંગ કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવશે, એવી ચિમકી પણ આપી છે. પ્રચાર માટે નોન એસી ટેક્સિનું ભાડું દરરોજ ૨૭૭૦ તો ૫૦ સીટર બસનું ભાડું ૧૧,૫૦૦ રુપિયા નક્કી કરાયું છે. આથી હવે આ દરપત્રક મુજબ ખર્ચ કરી તેનો હિસાબ દરેક ઉમેદવારે ચૂંટણી પંચને આપવાનો રહેશે. નોન એસી ટેક્સીમાં રોજના ૧૦૦ કિમી લેખે ૨૭૭૦ નક્કી કરાયા છે. એસી ટેક્સીનો આ માટેનો ભાવ ૨૯૬૦ રુપિયા છે. તે રીતે એસયુવી એસી માટે ૧૦૦ કિમીનો ભાવ ૫,૦૦૦ રુપિયા નક્કી કરાયો છે. જ્યારે ૫૦ સીટર બસો માટે ૧૦૦ કિમીનો ભાવ ૧૧,૫૦૦  નક્કી કરાયો છે.



Google NewsGoogle News