ટીડીએસ કૌભાંડની આરોપી અભિનેત્રી કીર્તિ વર્માને દુબઈ જવા મંજૂરી નહીં
263 કરોડના કૌભાંડમાં સહ આરોપી ગણાવાઈ છે
કિર્તી દુબઈ જઈને કૌભાંડના નાણાં સગેવગે કરી શકે છે તેવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દલીલ અદાલતે સ્વીકારી
મુંબઈ : ટીડીએસ કૌભાંડમાં આરોપી અભિનેત્રી કિર્તી વર્માએ કામ માટે દુબઈ જવાની મંજૂરી મેળવા કરેલી અરજી વિશેષ કોર્ટે ફગાવી દીધી હતી. કામના બહાને દુબઈ જઈને ગુનામાંથી રળેલી રકમને સગેવગે કરવા વર્મા દુબઈ જવા માગતી હોવાની ઈડીની ચિંતામાં તથ્ય હોવાનું કોર્ટે જણાવ્યું હતુ. ઈડીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં દાખલ કરેલા આરોપનામામાં વર્માનું નામ છે. એજન્સીએ આવકવેરા ખાતાના ભૂતપૂર્વ અ ધિકારી અને બે સાથીદારોની ધરપકડ કરી હતી.
ઈડીએ આરોપ કર્યો હતો કે આવકવેરા ખાતાના માજી અધિકારી તાનાજી અધિકારીએ સત્તા પર હતા ત્યારે રૃ. ૨૬૩ કરોડનું બોગસ ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) રિફન્ડ તૈયાર કર્યું હતું.વર્મા બિઝનેસમેન સહઆરોપી ભૂષણ પાટીલ સાથે સંકળાયેલી હતી અને ગુનાની કથિત રકમની તપાસમાં પગેરું તેના સુધી પહોંચ્યું હતું.
વર્માએ આજીવિકા રળવા દુબઈ જવાની પરવાનગી માગી હતી. ઈડીએ અરજીનો વિરોધ કર્યો હતો. સાક્ષીદારોના નિવેદન પરથી જણાય છે કે શેલ કંપનીઓ મારફત થયેલા મની લોન્ડરિંગની રકમ દુબઈમાં રોકવામાં આવી હતી. જો પરવાનગી અપાશે તો વર્મા પૈસા ડાઈવર્ટ કરશે. સહઆરોપીઓમાંનો એક દુબઈમાં શેખ અલમૌલ્લા દુબઈમાં તેની સાથે સંપર્કમાં હતો. અગાઉ વિદેશ જવાની પરવાનગી અપાઈ હતી ત્યારે પાછા આવીને તણે ઈડીમાં જાણ કરવાનો આદેશ અપાયો હતો પણ તે તેણે પાળ્યો નહોતો. આથી અરજદારને રાહત આપવાથી કેસ સામે જોખમ ઊભું થશે અને અજેન્સી તથા કોર્ટ સાથે છેતરામણીની શક્યતા છે, એવી દલીલી ઈડીએ કરી હતી.