તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે મૌન તોડયું
ઇન્કમટેક્સના દરોડા બાદ
જોશ યથાવત હોવાનું જણાવ્યું : દોબારા ફિલ્મનું શૂટીંગ ફરીથી શરૂ કર્યું
મુંબઈ : ઇન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સહિત અમુક ફિલ્મ- નિર્માણ કંપની પર દરોડા પાડયા હતા. આ દરોડા બાદ આજે શનિવારે પન્નુ અને કશ્યપે મૌન તોડયું હતું અને તેમનો જોશ યથાવત હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે 'દોબારા' ફિલ્મનું શૂટીંગ ફરીથી શરૃ કર્યું હતું અને સેટ પરનો તેમનો ફોટો શેર કરી હસતા મોઢે વિક્ટરીની નિશાની દર્શાવી હતી. અનુરાગ કશ્યપે આ સાથે જ ઇન્સ્ટ્રાગ્રામ પર એક મેસેજ આ ફોટો સાથે વહેતો કરી 'નફરત કરનારા તમામને સપ્રેમ' તેવું મથાળું આપ્યું હતું.
આ પહેલા આજે સવારે તાપસી પન્નુએ પણ ત્રણ ટ્વિટ વહેતા કરી તેના સામે કરવામાં આવેલ ત્રણ કથિત આરોપનો મજાક ભર્યો અને ઉપહાસ કરતો જવાબ વાળ્યો હતો. તેણે ઉપહાસ કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસની સઘન તપાસ બાદ 'મારા પાસે પેરીસના 'કથિત' બંગલાની ચાવી છે કારણ કે હવે ઉનાળાનું વેકેશન પાસે આવ્યું છે, તેવું જણાવ્યું હતું. જ્યારે બીજા ટ્વિટમાં 'કથિત' પાંચ કરોડ રૃપિયાની રીસીપ્ટ બાબતે તેને ફ્રેમ કરી જાળવી રાખશે જે ભવિષ્ય માટે છે તેવું સ્પષ્ટ કર્યું હતું જ્યારે ત્રીજા ટ્વિટમાં માનનીય ન ાણા પ્રધાન અનુસાર ૨૦૧૩માં મારા ઘરે દરોડા પડયા હતા તેનો સંદર્ભ લઇ કંગના પર કટાક્ષ કરી 'હવે તે સસ્તી રહી નથી' તેવું જણાવ્યું હતું. કારણ કે કંગનાએ ઘણીવાર તેને 'સસ્તી કોપી' કહી ઉતારી પાડી છે.
જો કે આ વખતે અનુરાગ કશ્યપે દરોડા બાબતે સીધું કાંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. તાપસી અને કશ્યપ વચ્ચે 'દોબારા'એ બીજી ફિલ્મ છે આ પહેલા બંનેએ સાથે મળી ફિલ્મ 'મનમર્ઝિયા' કરી હતી.
આ દરોડા પ્રકરણે આઇટીના સૂત્રોનુસાર પન્નુ અને કશ્યપ સામેના દરોડાએ ફેન્ટમ ફિલ્મ્સના એકભાગરૃપે હતા. આ દરોડામાં કવાન એક્સીડ સહિત અન્ય ફિલ્મ નિર્માણ કંપનીને પણ આવરી લેવાઇ હતી.